|
|
|
અડાસ અને વસોનાં યુધ્ધ -૧૭૨૩
ઇ.સ. ૧૭૨૦ની આસપાસ રુસ્તમઅલીખાંનો અધિકાર પેટલાદ અને સુરત ઉપર હતો અને તે પેટલાદમાં
રહેતો. એ પોતાના ભાઇઓના વધ અને કુટુંબીઓના કેદથી વ્યથીત હતો. તેને વેર લેવું હતું.
તે માટે પ્રથમ તો રુસ્તમઅલીખાંએ પોતાની પછવાડે છાવણી નાખી પડેલા પિલાજી ગાયકવાડને
વિશ્ર્વાસમાં લીધો અને મહી નદીના આ પારના, એટલે દક્ષિણ તરફના, પ્રદેશની ચોથ તથા
સરદેશમુખી તેને માંડી આપવાનું વચન આપી તેની મદદ માગી. પિલાજી ગાયકવાડને તો એટલું જ
જોઇતું હતું. આ કરાર બાજવા પાસે કરવામાં આવ્યો . ત્યારપછી રુસ્તમ અલીએ અડાસમાં
મુકામ કર્યો. હમીદખાં અને કંઠાજી કદંબ બાંડે અમદાવાદથી તેની સામે પડ્યા. તેમણે
અડાસથી ચાર ગાઉ છેટે છાવણી નાખી અને પિલાજી સાથે જુદો ગુપ્ત કરાર કર્યો. અડાસના
મેદાન ઉપર રુસ્તમઅલીખાંએ હામીદખાં ઉપર ઘસારો કર્યો, જેમાં હામીદખાંને પીછેહઠ કરવી
પડી. કંઠાજીકદંબે બંને છાવણીઓને આ પ્રસંગે લૂંટી હતી. અને પિલાજીએ, રુસ્તમઅલીએ
અડાસના કોટમાં મૂકેલા સામાનને કબ્જે કર્યો હતો.
મહી નદીની આસપાસના આ પ્રસંગો ચાલતા હતા ત્યારે મહારાષ્ટ્ર તરફથી ખંડેરાવ દાભાડે
વગેરે મોટી ફોજ લઇ મહી નદી પાસે ઉતરી પડ્યા. રુસ્તમઅલીનો વિચાર અમદાવાદ ઉપર જવાનો
હતો, એટલે તેણે આગળ કૂચ કરી નાપાડ, કલમસર વગેરે ગામો થઇ વસો મુકામ કર્યો. વસોના
અમીન વણારસીદાસે તેને આશરો આપવાનું કહેવરાવ્યું, પણ હામીદખાં અને મરાઠા સરદારોએ તેમ
ન થવા દીધું. આથી રુસ્તમઅલીખાંને વસોમાં કોઇ મદદ મળી નહીં. ઉલટું ચોતરફ મરાઠી
લશ્કરે તેને દોરી લીધો. વસોના સૂઇ તળાવ ઉપર ભયંકર યુધ્ધ થયું. પિલાજી ગાયકવાડે આ
વખતે પાઘડી ફેરવી નાખી. તે જોઇ શક્યો કે ગુજરાતમાં મરાઠાઓનો કટ્ટર દુશ્મન
રુસ્તમઅલીખાં અને તેના સરકારી અધીકારોઓ હતા. તેથી તેણે હમીદખાંને મદદ કરી. લડાઇમાં
રુસ્તમઅલીખાં રુસ્તમ માફક લડ્યો. પણ તે માર્યો ગયો. તેનુ માથું અમદાવાદ હમીદખાંને
મોકલવામાં આવ્યું. જ્યારે નોખા પડી ગયેલા શરીરને વસો મુકામે દાટવામાં આવ્યું. તેના
શરીરના એક હાથને પિલાજીએ સોનગઢ મોકલી આપ્યો. રુસ્તમઅલીખાંનો પવાડો રચવામાં આવ્યો,
જે ઘણાં વર્ષો સુધી ચરોતરમાં ગવાતો.
ઇ.સ. ૧૭૨૩ની પ્રથમ અડાસની લડાઇ અને ત્યાર બાદની સૂઇ તળાવની વસો પાસેની લડાઇ
ગુજરાત માટે અને ચરોતર માટે શક પ્રવર્તક લડાઇઓ ગણાવી જોઇએ, કારણ કે તેથી કદંબબાંડે,
પિલાજી ગાયકવાડ, દાભાડે વગેરે ગુજરાતમાં વગ ઘરાવતા થયા.
|
|
|