|
|
|
અજમાવત કોટ (બ્રાહ્મણોનો કોટ)
અજમાવત કોટ એ રવદાવત(તા.કપડવંજ)નું એક
પરું છે;
અન્ય પરાં છે- પીપળિયા, છલ્લુજીની મુવાડી, મોતીપરા અને વાવની મુવાડી. અજમાવત કોટ એ
‘પહાડા’નું
પણ એક ગામ છે. અજમાવત કોટ, અપરૂજી, રવદાવત, સુરાવત, ચેલાવત, વાઘાવત, પથાવત, વજાવત,
દોડિયા કૂઇ, પીપળિયા, મોતીપુરા, ચરૈલ, સંદેસર, મલી, કોસમ વગેરે વાત્રક કાંઠે પંદરેક
માઇલના વિસ્તારમાં આવેલાં ગામોનો સમૂહ
‘પહાડા’
નામે ઓળખાય છે. આ ગામોના લોકો પરગામ જાય ત્યારે પોતે પહાડેથી આવ્યા એમ કહી પોતાના
વતનને ઓળખાવે છે.
અજમાવત કોટની પૂર્વ દિશાએ નજીકમાં જ વહેતી વાત્રક નદી પર એક પુરાતન કિલ્લો આવેલો છે. કિલ્લાની અંદર થઇને નદી કિનારે જવાય છે. ગામની ચોતરફ આ કિલ્લો બંધાયેલો હોય એમ હજીયે છૂટક છૂટક રહેલા તેના અવશેષો પરથી માલુમ પડે છે. હાલમાં આ કિલ્લાને બે માળ હયાત છે, અને નીચે સામસામા પાંચ ઓરડાઓ આવેલા છે. કિલ્લો ઇંટ, ચૂનો અને મોટા મોટા પથ્થરોથઈ ચણેલો છે. દરવાજાની કમાનો પથ્થરની બનાવેલી છે. દરવાજાની આગળની બાજુમાં બે બુરજો છે. તેમાં વસવાટ કરનારાઓના બાથરૂમ હોય તેમ અનુમાન થાય છે. દસ ઓરડાવાળો આ કિલ્લો ગુજરાતમાં અજોડ કહેવાય છે. અમદાવાદ-પાવાગઢનો અહીં રસ્તો હોવાથી આ કિલ્લો બંધાવ્યો છે તેમ કહેવાય છે.
ઇ.સ.ના ૧૫મા સૈકામાં
દિલ્હીના પાદશાહે વાત્રક નદી પરનાં નાનાં રજવાડાં જેવાં કે ખડાલ, કેનાદરા,
આતરસુંબા, ઘોડાસર, માંડવા વગેરેની ખંડણીની વસૂલાત માટે અજમલ ખાન નામના સુબાને બાર
હજારનું લશ્કર આપીને અહીં મોકલેલો. તેણે રમ્ય જગ્યા જોઇ અહીં શહેર વસાવેલું અને
તેના નામ ઉપરથી શહેરનું નામ અજમાબાદ પડેલું જે પાછળથી અજ્યાવત કોટ થયું હવે એમ મનાય
છે.
આજે ગામમાં મુખ્ય વસ્તી
ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણોની છે. તેમનાં સોએક ઘર છે. તેથી ગામ બ્રાહ્મણોના કોટને
નામે પણ ઓળખાય છે.
|
|
|