AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back






Forward
Share |
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

જિલ્લાના ઐતિહાસિક નગરો

જિલ્લાનું મુખ્ય મથક આણંદ શહેર શ્વેતક્રાંતિના મુખ્ય મથક તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. પશ્ચિમ રેલ્વે મુંબઇ-અમદાવાદ વચ્ચે મોટું જંકશન સ્ટેશન છે. 22’-33’ ઉત્તર અક્ષાંશ અને 72’-57’ પૂર્વ રેખાશં પર આવેલ અને સને 1991માં 1,10,266 વસ્તી ધરાવતા આણંદ શહેરમાં અમૂલ ડેરી, એન.ડી.ડી.બી., ઇરમા, કૃષિ યુનિવર્સિટી કેમ્પસ જેવી અનેક પ્રખ્યાત સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ આવેલી છે.

આનંદગીર નામના ગોસાઇએ આ શહેર નવમાં સૈકામાં વસાવ્યું હતું તેની નોંધ ભાટચારણોના ચોપડે નોંધાયેલી મળે છે. નાના અડધમાં ગોસાઇવાળું ફળિયું આજે પણ હયાત છે. કાળક્રમે ગોસાઇઓની પડતી થઇ અને પાટીદારોએ જમીન-જાગીર તેમ જ મિલ્કતો ખરીદી વસવાટ શરૂ કર્યો. ગામની ઉત્તરે આણંદ આર્ટસ કોલેજની હોસ્ટેલના મકાનની બાજુમાં હનુમાનની વાડી નામે ઓળખાતી વાડી ગોસાઇઓની હતી. આ વાડીમાં ગોસાઇઓના મૃતદેહો દફનાવામાં આવતાં. જો કે આજે તેના સ્મૃતિચિન્હો જોવા મળતા નથી. પરંતુ હનુમાનજી મંદિર આજે પુરાવારૂપે હયાત છે. આમ આનંદગીર ઉપરતી આનંદ-આણંદ ગામનું નામ પડયું, એવી  લોકકથા પ્રચલિત છે.

બે એક હજાર વર્ષનો આણંદનો ઇતિહાસ જાણવા માટેનું સૌથી પ્રાચીન સાધ ગામની બહાર એકાદ કિ.મી.ના અંતરે ખેતીવાડી કેમ્પસ તરફ જવાના માર્ગ પર આવેલું જાગનાથ મહાદેવનું શિવાલય છે. દંતકથા પ્રમાણેઃ આણંદ-જીટોડીયા વચ્ચે મહી નદી વહેતી હતી. વૈજનાથ અને લોટેશ્વર મહાદેવની આગળ વહેતી નદીને જાગનાથ મહાદેવ આગળ મામાદેવની (મમ્માદેવ) (હાલમાં જાગનાથ મહાદેવની પૂર્વ દિશામાં શ્રી મમ્માદેવું ચમત્કારિક સ્થાનક આવેલું છે.) ચમત્કારિક મૂર્તિએ શાપ આપ્યો કે, જા, અહીંથી બાર કોશ દૂર જઇને પડ તેથી મહી સરિતાએ પટ બદલ્યો અને આજે આણંદથી બાર કિ.મી.ના અંતરે આ નદી વહી રહી છે. જાગનાથ મહાદેવના દેવાલયના બાંધકામ દરમ્યાન થયેલા ખોદકામમાંથી પ્રાચીન ઇંટો અવશેષરૂપે પ્રાપ્ત થઇ છે. મામાદેવ અને વૈજનાથ આગળ ખોદકામ કરીએ છીએ ત્યારે રેતીના થર મળી આવે છે. જાગનાથ મહાદેવથી ત્રણ કિ.મી. દૂર હાડગુડ ગામ આવેલું છે. તે ગામમાં જતાં જ આગળ કોતરો જોવા મળે છે. એ જમીન નાના પથ્થર- મડિયાવાળી આજે પણ છે. જો કે લોકવાયકામાં અતિશયોક્તિ વણાયેલી હોય છે. છતાં મહી નદી સદીઓ અગાઉ આણંદની બાજુમાં રહીને વહેતી હશે. ત્યાંથી ભૂગર્ભમાં થયેલા કોઇક કારણસર કે ફેરફારોને લીધે નદીએ પોતાનો પટ બદલ્યો હોય તે શકય છે. અત્યારે તે વાસદ આગળ  વહે છે. જાગનાથ મહાદેવ આગળ મળેલલી ( લંબાઇ 18 પહોળાઇ 11 અને જાડાઇ 2.50) માપવાળી  ઇંટોને આધારે ગુપ્ત સમયમાં અહીંયા પુરાણું શિવાયલ હશે એમ માની શકાય.

ઇ.સ. 1951માં, નગરપાલિકા સામેના પરસોત્તમભાઇ દેવજીભાઇ પટેલના મકાનના કંપાઉન્ડમાં નગરપાલિકાના વિસ્તરણ નિમિત્તે ખોદતાં એક કુલડીમાંથી લગભગ 2000 જેટલા ચાંદીના પ્રાચીન સિક્કા મળી આવ્યા હતા. તેના ઝીણવટભર્યો અભ્યાસ ઘણા પુરાત્વવિદો અને ઇતિહાસ-રસિકોએ કરેલો છે. આ સિક્કાઓ ગુપ્તવંશના એક પ્રતાપી રાજા કુમારગૃપ્ત (ઇ.સ.415થી 455)ના જણાયા છે. ગુપ્તકાળની બ્રાહ્યી લિપિમાં આ સિક્કાઓ પર પરમ ભાગવત રાજાધિરાજ શ્રી કુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય લખાણ છે. આથી એ સિધ્ધ થઇ શકે કે આણંદની પ્રાચીનતા ઓછામાં ઓછી ઇ.સ.નાચોથા સૈકા જેટલી હોવા સંભવ છે. આજથી સોળમા સૈકાની આસપાસ (ઇ.સ.415 થી 455) ના સમયમાં કે જ્યારે સિક્કા ચલણી હતા. તે વેળા આણંદને આંગણે માટીના પાત્રમાં મૂકી કોઇકે  દાટી દીધેલા હશે, પરંતુ આ ઉપરથી કુમારગુપ્તના રાજ્ય અમલ દરમિયાન આણંદ વિસ્તારમાં વસ્તી હશે એમ માની શકાય.

આણંદથી મળી આવેલા સિક્કાઓ ઉત્તર ભારત અને ખંભાત બંદર વચ્ચેનો ધોરીમાર્ગ (આજે આવા ધોરીમાર્ગની હયાતી જોવા મળતી નથી) ઉપર વેપાર ચલાવવા કોઇ વણઝારાએ આ સ્થળે દાટી મૂકેલા હોવા જોઇએ. વણઝારાઓ આ પ્રમાણે ધોરીમાર્ગો પર ઠેકઠેકાણે સિક્કાઓ દીટી દેતા અને પોતાના ચોપડામાં તેની નોંધ રાખતા થતા જરૂર પડતાં કાઢી લેતા, પણ આ સિક્કા દટાયેલા જ રહ્યા તેનું કારણ એ હોવું જોઇએ કે આ સિક્કાઓ દાટનાર વણઝાર કુમારગુપ્તના રાજ્યકાળના છેલ્લા વર્ષોમાં એટલે કે ઇ.સ.450 ની આસપાસ થયેલા હૂણોના હુમલાઓનો ઉત્તર ભારતમાં કયાંક ભોગ બનીને નાશ પામી હોય તેથી આ સિક્કાઓ દટાયેલા જ રહી ગયા હશે.

ગુપ્તો પછીના આણંદના ઇતિહાસનું પાનું છેક ઇ.સ. 609માં ઉઘડે છે. કલચુરિ (કટરપુરિ) રાજા બુધ્ધરાજનાં મળેલા તામ્રપત્રોમાં આનંદપુરનો ઉલ્લેખ છે. એટલે આ રાજાઓ આજુબાજુના પ્રદેશના પ્રવાસ વખતે આ પ્રદેશમાં આવતાં ત્યારે અહીં મુકામ રાખતા હશે. આનંદ-આણંદ-પુર-નગર તે રીતે કાળક્રમે આણંદ ગામનું નામ પડયું હોય તેમ લાગે છે. વળી તામ્રપત્રોમાં થયેલા આણંદ-આનંદ વિશેના ઉલ્લેખો પરથી આ ગામે છઠ્ઠી સદીના આસપાસ પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યાનું માની શકાય છે.

 
 

 
.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com