|
|
|
ભક્તરાજ વિજયસિંહ બોડાણા (૧૨મી સદી, ડાકોર)
કહેવાય છે કે, દ્વાપર યુગમાં
શ્રીકૃષ્ણ ગોકુળમાં હતા ત્યારે વિજયનંદ નામનો વૃધ્ધ અભિમાની ગોવાળ શ્રીકૃષ્ણની
અવગણના કરતો, જ્યારે તેની પત્ની શ્રીકૃષ્ણની ભક્ત હતી. એક હોળીપર્વ પર એને આ વાતની
ખાત્રી થતાં તેને અને શ્રીકૃષ્ણને ઝઘડો થયો. બીજા દિવસે ધૂળેટી પર્વ પર તેની ટુકડી
સામે શ્રીકૃષ્ણની ટુકડી હારી ગઇ અને શ્રીકૃષ્ણ યમુનાજીમાં પડી સંતાયા. તેમની પાછળ
યમુનાજીમાં પડેલ વિજયનંદને શ્રીકૃષ્ણનાં સાચાં સ્વરૂપનાં દર્શન થયાં અને તેણે માફી
માંગી ભક્તિની યાચના કરી. શ્રીકૃષ્ણએ તેને આશિષ આપતાં કહ્યું,
‘કળિયુગમાં
તમે વિજયસિંહ તરીકે જન્મ પામશો. અને તમારી હાલની પત્ની સુધા, ગંગાબાઇ તરીકે તમારી
પત્ની થશે. તે વખતે હું તમને દર્શન દઇ તમારે ત્યાં રહી તમને મુક્ત કરીશ.’
આ વરદાનને પરિણામે જ વિજયનંદ ગોવાળ કળિયુગમાં ડાકોરમાં વિજયસિંહ રુપે જન્મ પામ્યો.
વિજયનંદની પત્ની સુધા વિજયસિંહનાં પત્ની ગંગાબાઇ થયાં. બોડાણોએ એમની અટક છે.
ભક્તરાજ બોડાણાને દર્શન દઇ મુક્ત કરવા શ્રીકૃષ્ણ દ્વારકાથી વિજયસિંહ સાથે ડાકોર
પધાર્યા અને ત્યારથી આપણને
‘રણછોડરાય’
મળ્યા.
ભક્તરાજ વિજયસિંહની દ્વારકાધીશ પ્રત્યેની શ્રધ્ધાની કથા જ આપણને પ્રાપ્ત થાય છે.
સોળેક વર્ષથી જીવનના ૭૨માં વર્ષ સુધી પ્રતિવર્ષ પગે ચાલીને હાથમાં તુલસી ઉગાડીને
દ્વારકાધીશની જાત્રા કરતા વિજયસિંહ બોડાણાની કથા બધાં આખ્યાનો, ગીતો, ભજનો અને
ચરિત્રોમાં ગવાઇ છે. વિજયસિંહના સમયથી દ્વારકાધીશ
‘રણછોડરાય’
રુપે ડાકોરમાં બિરાજે છે અને સમયાંતરે ડાકોર સમગ્ર હિન્દુઓનું એક તીર્થ બની રહેલ
છે.
મહાભારત કાળમાં ચરોતર, અને
તેમાં પણ ડાકોરની આસપાસનો પ્રદેશ, હિડંબા વન કહેવાતો હતો. આ પ્રદેશમાં ઘણાં જળાશયો
હતાં. એમના અવશેષો રુપે વાંઘરોલી, સૈયાંત, રાણી પોરડા વગેરે જળાશયો કપડવણજ તાલુકાના
પ્રદેશમાં આજે પણ હયાત છે. આ પ્રદેશમાં નદીઓ પણ છે. આ જળાશયોના કાંઠે ઋષિ-મુનિઓના
આશ્રયો હતા. એવા ઋષિઓ પૈકી એક ડંક મુનિનો આશ્રમ હાલના ડાકોરના સ્થળે હતો. તેઓ કંડુ
ઋષિના ગુરુભાઇ હતા, અને મહાદેવના પરમ ભક્ત હતા. મહાદેવજીના દર્શનની અભિલાષાથી આ ડંક
મુનિએ એક વડ નીચે બેસી ઉગ્ર તપશ્ચર્યા કરેલી. તેને પરિણામે શંકર ભગવાને તેમને દર્શન
દીધાં અને વરદાન માગવા કહ્યું. ડંક મુનિએ મહાદેવજીને પોતાના આશ્રયમાં વસવા વિનંતી
કરી. ત્યારથી એ આશ્રયમાં મહાદેવજી લિંગ રુપે વસ્યા. હાલ ગોમતીના કિનારે રણછોડજીના
મંદિર સામે ડંકનાથ ઉર્ફે ડંકેશ્વર મહાદેવનું મંદિર છે. ડંક મુનિના આશ્રમે એક વખત
શ્રીકૃષ્ણ અને ભીમ મુસાફરી દરમિયાન રોકાયેલા. અહીં શીતળ જળ પી તૃપ્ત થયેલ ભીમે
તત્કાલીન નાના જળાશયને મોટું બનાવવા તે સ્થળે ગદા પ્રહાર કર્યો અને ૯૯૯ વીંઘા
જમીનમાં તળાવ થઇ ગયું. તે આજનું ગોમતી તળાવ. ગદા પ્રહારથી તપશ્ચર્યામાંથી જાગી
ગયેલા ડંક મુનિએ શ્રીકૃષ્ણ અને ભીમને જોતાં ભક્તિભાવપૂર્વક વંદના કરી. શ્રીકૃષ્ણએ
વરદાન માગવાનું જણાવતાં, તેમને મહાદેવજીની જેમ પોતાના આશ્રમમાં કાયમી વસવાટ કરવા
વિનંતી કરી. શ્રીકૃષ્ણએ તેમ કરવા વચન આપ્યું, પરન્તુ પોતાનું જીવનકાર્ય પૂર્ણ થતાં
શ્રીકૃષ્ણએ પોતાની લીલા સંકેલી લીધી. પૌરાણિક માન્યતા પ્રમાણે તે પછી શ્રીકૃષ્ણ
૪૨૨૫ વર્ષ સુધી મૂર્તિ રુપે દ્વારિકામાં રહ્યા. તે પછી ભક્તરાજ બોડાણાની ભક્તિને વશ
થઇ ડાકોરમાં આવ્યા અને એ રીતે ડંક મુનિને આપેલ વચન પાળ્યું.
|
|
|