AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back






Forward
Share |
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

કપડવંજનું યુધ્ધ (૧૪૫૧)

સુલતાન કુત્બુદી્ન મીરમદશાહ ઉર્ફે અહમદશાહ બીજો ૨૦ વર્ષની નાની વયે તખ્તનશીન થયો, પરંતુ તેને તે જ વર્ષે એક ભયાનક આક્રમણનો સામનો કરવાનો આવ્યો. આ ઘટના બની કપડવંજ ખાતે.

કપડવંજના યુધ્ધના કારણો મુજબ, માળવાનો સુલતાન મહમદશાહ ખલજી તેના પિતાના જમાનામાં દાહોદ સુધી લડાઇ માટે ભારે તૈયારી સાથે આવ્યો હતો. પરંતુ તેને લડાઇ લડ્યા વિના પાછુ જવું પડ્યું હતું. ગુજરાતમાં ફતેહ મેળવવાની તમન્ના તેના દિલમાં કાંટાની પેઠે ખટક્યા કરતી હતી. તેથી એક જબરદસ્ત ફોજની તૈયારીનો હુકમ તેણે આપ્યો અને તે પૂરી થતાં એક લાખ કરતાં વિશેષ ઘોડેસવાર અને પાંચસો જંગી હાથી સાથે તે ગુજરાત જીતવાનો મક્કમ ઇરાદો કરી રવાના થયો.

માળવા સુલતાન મહમદશાહ ખલજીએ પશ્ચિમ ખાનદેશમાં આવેલ સુલતાનપૂર પ્રદેશ ઉપર ચઢાઇ કરી. ત્યાંના કિલ્લાનો રક્ષક અલાઉદી્ન બિન સોહરાબ સુલતાની હતો. તેણે બંન્ને દરવાજા બંધ કરી લડાઇનો આરંભ કર્યો. અને સાત દિવસ સુધી માળવાના સુલતાનના લશ્કર સામે જોમ અને જોશથી તે ઝઝૂમ્યો, પરંતુ તેમાં ન ફાવતાં તેણે સુલતાનને કિલ્લો સુપ્રત કરી દીધો અને સુલતાનની નોકરીમાં તે જોડાઇ ગયો. તેની વફાદારીની ખાતરી કરી માળવાના સુલતાને તેને ફોજનો સરદાર નિમ્યો અને તેના બાળકો અને સ્ત્રીઓને તેના પાયતખ્ત મોહમાં મોકલી આપ્યાં.

માલવાના સુલતાને ત્યાર બાદ ભરુચ બાજુ કુચ કરી અને ભરુચ કિલ્લાના હાકેમ મલેક મરજાનને શરણે આવવા પેગામ પાઠવ્યો. પરંતુ તે સુલતાનના ફરેબમાં સપડાયો નહીં. તેણે કિલ્લાના રક્ષણ માટે મજબૂત વ્યવસ્થા કરી. માળવાના સુલતાનને તો ગુજરાત ૬ માસમાં જીતવું હતું, જ્યારે ભરુચના કિલ્લાની સૂરક્ષા જોતાં તે ૬ માસમાં જીતાય તેમ ન હતો. આથી તેની ફોજના સરદાર સુલતાનપૂરના સોહરાબ સુલતાનીએ તેને અહમદશાહ બીજાના પાયતખ્ત પર હુમલો કરવાનું સુચવ્યું અને જો તે જીતી લેવાશે તો પછી ભરુચ જેવા કિલ્લા આસાનીથી જીતાશે. માળવાના સુલતાનને આ વાત ગળે ઉતરી ને તેણે ફોજને અમદાવાદ જવાનો હુકમ આપ્યો.

માળવાના સુલતાને રસ્તામાં આવતા વડોદરાને લૂટ્યું. મુસ્લિમ તેમજ ગેરમુસ્લિમ હજારો માણસોને તેણે ગીરફતાર કર્યા. અહીં ચાંપાનેરના રાજા ગંગાદાસ અને અન્ય રાજાઓ તેમની સાથે જોડાયા. તે પછી માળવાના સુલતાનની કુચ આગળ વધી અને મહી નદી ઓળંગી લશ્કર કપડવંજ પાસે પહોચ્યું.  માળવાના સુલતાનની ફોજ યુધ્ધ અર્થે અમદાવાદ બાજુ આવી રહી છે તેની જાણ થતાં અમદાવાદથી નીકળી અહમદશાહ બીજાએ ચાળીસ હજાર ઘોડેસવારના લશ્કર સાથે મહી નદી પરના ખાનપુર વાંકાનેરના ઓવારે છાવણી નાખી.

કપડવંજ ખાતે સુલતાનપુરનો સોહરાબ સુલતાની માળવાના સુલતાનને છોડીને પોતાના જુના માલીક ગુજરાતના અહમદશાહ બીજા સમક્ષ ઉપસ્થિત થયો. અહમદશાહ બીજાએ પ્રેમ અને માનથી તેને આવકાર્યો. સોહરાબ સુલતાને માળવાના ખલજી સામે કયા સંજોગોમાં નમવું પડ્યું તે તથા સુલતાન અહમદશાહના હિતમાં તેમણે જે જે કાર્યવાહી કરી હતી તેનો વિસ્તારથી ખ્યાલ આપ્યો. સોહરાબ સુલતાનની સ્ત્રી અને તેના બાળકોને ખલજીએ માંડૂ મોકલી આપ્યાં તે બાબતે અહમદશાહ બીજાએ અફસોસ પ્રદર્શિત કર્યો ત્યારે સોહરાબ સુલતાનીએ પુન: લગ્ન કરશે એમ કહી જવાબ વાળ્યો અને તેનાં સંતાનોને મારી નાંખશે તોપણ તેને વાંધો નહીં આવે અને તેમ કરી તેણે તેની વફાદારી પ્રદર્શિત કરી. આ સાંભળી અહમદશાહ બીજાએ એક જ મજલિસમાં સાત વાર ખિતાબથી તેનું બહુમાન કર્યું. અને તેને અલાઉલમુલ્ક ઉલુગખાનનો ખિતાબ એનાયત કર્યો.

અહમદશાહ બીજાએ સોહરાબ સુલતાની પાસેથી માળવાના ખલજીના લશ્કર અંગે વિગતો પણ મેળવી. બંન્નેની છાવણી વચ્ચે ત્રણ કોસનું અંતર હતું. બંને પક્ષના લશ્કરો સામસામે ગોઠવાઇ ગયા. ઇ.સ. ૧૪૫૧ના એપ્રિલની પહેલી તારીખે રાત્રે સુલતાન ખલજી ગુજરાતના ખલજીની ફોજ પર ઓચિંતુ આક્રમણ કરવા બહાર નીકળ્યો, અને તેની સાથે કોઇ હિંદુ પટેલને ભોમિયા તરીકે લીધો. કર્મસંજોગે તે રાત્રીએ પવન જોરથી ફુંકાતો હતો અને તેવા વાતાવરણમાં ભોમિયો રસ્તો ચૂકી ગયો. આથી તેઓ સવાર સુધી આમ તેમ ભટકતા રહ્યા, અને અંતે હતાશ થઇ સુલતાન પોતાની છાવણીમાં પરત ફર્યો. માળવાના ખલજીએ રોષે ભરાઇને ભોમિયા પટેલની કત્લ કરી. આ વિસ્તારના પ્રતિષ્ઠિત ગણાતા આ પટેલ ભોમિયાની કત્લ થતાં સ્થાનીક લોકો માળવાના ખલજી સામે રોષે ભરાયા અને ધાંધલ ધમાલ શરુ કરી.

રાતની ઘટનાની જાણ અહમદશાહ બીજાને થઇ અને તે માળવાના ખલજી સામે આગળ વધ્યો. મોટી લડાઇ જામી. ગુજરાતના લશ્કરની એક પાંખ ખુવાર થઇ ગઇ. છતાં પણ અહમદશાહ બીજાનો વિજય થયો. માળવાનો સુલતાન ૮૧ હાથી અને તમામ શસ્ત્રસરંજામ છોડી નાઠો. રસ્તામાં આવતા પ્રદેશમાંના કોળીઓએ તેના લશ્કરને હેરાન કર્યું, લૂંટ્યું. અહમદશાહ લૂંટનો માલ લઇ અમદાવાદ પહોંચ્યો. તેણે લશ્કર મોકલી સુલતાનપુરનો પણ કબ્જો મેળવ્યો.

 
 

 
.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com