AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back






Forward
Share |
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

ખંભાતની નવાબી પરંપરા (ઇ.સ. ૧૭૩૦થી ૧૯૪૮)

દિલ્હીની ગાદી ઉપર મોગલ બાદશાહ મહમદશાહ (ઇ.સ.૧૭૧૯-૪૮) હતા ત્યારે તેમના સુબા તરીકે ગુજરાતમાં મુબારેજ ઉલમુલ્ક સરબુલંદખાન હતા.

આ સમય દરમિયાન ઇ.સ.૧૭૩૦માં ઇરાનના રાજદરબારમાં વજીરનો હોદો્ ધરાવતા મિરઝા જાફર નજુમુદૌ્લા ઉર્ફે મોમીનખાન હિન્દુસ્તાનની સહેલ કરવા ખંભાત આવ્યા. ગુજરાતના સુબાએ એમને ઇ.સ. ૧૭૨૫માં પેટલાદ પરગણાના ઇજારદાર નીમ્યા. આ જ વર્ષે મીરઝા ઝાફરનું લગ્ન ખંભાત અને સુરતના હાકેમ મીરઝા  અબદુલહુસેન ડેહલામી મોમીનખાનની દીકરી ઓલીયાબેગમ સાથે થયું. આથી મીરઝા જાફરનો માનમરતબો વધ્યો.

મીરઝા ઝાફરને પેટલાદ પરગણાના હિસાબ બાબત ગુજરાતના સૂબા મૂબારેજ ઉલમુલ્ક સાથે અણબનાવ થતાં, ગુજરાતના સૂબાએ તેમને ઇ.સ. ૧૭૩૦માં નોકરીમાંથી બરતરફ કર્યા. મિરઝા ઝાફર ત્યારબાદ દિલ્હી ગયા. ગુજરાતના સૂબા મુબારેજની બદલી થતાં, મહારાજા અભેસિંહ ગુજરાતમાં આવ્યા. મિરઝા ઝાફરે પોતાની કામગીરીથી મહારાજા અભેસિંહની કૃપા પ્રાપ્ત કરી અને ગુજરાત ખાતાના ઘોડેસવાર લશ્કરના ઉપરી, ગુજરાતના એજન્ટ અને ખંભાતના સૂબા તરીકે સ્થાન પ્રાપ્ત કર્યાં.

ઇ.સ.૧૭૩૪માં મરાઠાઓ વડોદરા જીતવા આવ્યા ત્યારે ગુજરાતના સૂબેદાર રતનસિંહે ખંભાતના હાકેમ મિરઝા ઝાફરને મરાઠાઓને હાંકી કાઢવા હુકમ કર્યો, પરંતુ મરાઠાઓ સાથે લડવું ડહાપણ ભરેલું નહીં લાગતાં મોમીનખાને તેમ ન કર્યુ. પરિણામે તેમને નડિયાદ, માતર, પેટલાદ અને મહુધાના ઇજારો પણ મળ્યો. રતનસિંહ ભંડારી સાથે મીરઝા ઝાફરને અણબનાવ રહેતો અને ભંડારીએ મોમીનખાન પર ચઢાઇ પણ કરેલી. ઇ.સ. ૧૭૩૫માં મહુધા, માતર, અને નડિયાદ વગેરે ૫૨ ગણાની ઇજારાની મુદત પૂરી થતાં ભંડારીએ તે બધાં મોમેનખાન પાસેથી લઇ સફદરખાંન બાબીને આપ્યાં. પરંતુ, દિલ્હીના બાદશાહ અભેસિંગ મહારાજ પ્રત્યે નારાજ થતાં ગુજરાતના સૂબા તરીકે ઇ.સ. ૧૭૩૭માં મોમીનખાનને નીમવામાં આવ્યા.

ગુજરાતની સૂબાગીરી પ્રાપ્ત થતાં જ મોમીનખાને કામગીરી શરુ કરી. રતનસિંહ ભંડારીએ તેમ ન કરવા સૂચના આપી. પરંતુ તેની અવગણના કરી મોમીનખાને લશ્કર સાથે અમદાવાદ તરફ કૂચ કરી. સોજીત્રા જીત્યું. ત્યાં જવામર્દખાન બાબીનો મેળાપ થયો. બંનેએ સાથે મળી અમદાવાદ તરફ કૂચ કરી. દામાજીરાવ ગાયકવાડે શરતી સાથ આપ્યો. હારી જશે એવા ડરથી રતનસિંહ ભંડારીએ પોતાનો ખર્ચ મેળવી અમદાવાદ છોડી દીધું. અને ૨૦ મે ૧૭૩૭ના રોજ મોમીનખાને અમદાવાદ સર કર્યું. કરાર પ્રમાણે મોમીનખાંને રાયખડ, આસ્ટોડિયા, ખાનજહાન અને રાયપુરના દરવાજા સુધીનો જમાલપૂરનો ભાગ મરાઠાઓને આપ્યો. આ વખતથી ગુજરાતની ખંડણી અને હકૂમત મરાઠા તથા મોગલો વચ્ચે વહેચાઇ. મોમીનખાન અમદાવાદ રહેવા લાગ્યા, અને ખંભાતની જવાબદારી પોતાના સગાને આપી. અમદાવાદ જીત્યાના સમાચાર જાણી દિલ્હીના બાદશાહે મોમીનખાનને નવાજ્યા. દિલ્હીની બાદશાહી નબળી પડતાં મોમીનખાને ખંભાતને એક સ્વતંત્ર રાજ્ય બનાવી દીધું.

મોમીનખાનના રાજ્યશાસન દરમિયાન પ્રજા શાંતિથી જીવી. એમને જલંદરનો રોગ થયેલ, અને તેના કારણે ઇ.સ. ૧૫ માર્ચ, ૧૦૪૩ ના રોજ તેમનું અવસાન થયું. આમ, ઇરાનથી આવેલા એક રાજપુરૂષ ૨૩વર્ષના ટૂંકાગાળામાં ગુજરાતનો સૂબો અને ખંભાતના સ્વતંત્ર રાજ્યનો સ્થાપક બને છે, જે એક વિરલ ઘટના કહેવાય.

મુફતાખીરખાંન (મોમિનખાંન બીજા ઇ.સ. ૧૭૪૩ થી ૧૭૮૩)

મોમીનખાન નજમુદ્દોલાનું અવસાન થતાં એમના પાટવી કુંવર મુફતાખીરખાન ખંભાતની ગાદીએ આવે છે, ઇ.સ. ૧૭૪૩માં .

મુફતાખિરખાનનું શાસન યુધ્ધો- સમાધાનો- સારીનરસી ઘટનાઓથી ભરેલું રહ્યું. મીરઝા ઝાફરના સમયમાં ફિદાઉદી્નખાન મુખ્ય કારભારી હતો. મુફતાખિરખાન સાથે તેને અણબનાવ થતાં તે ખંભાત છોડી દહેવાણ જઈ વસ્યો. મીરઝાના સમયથી જ હોદ્દો ધરાવતા ખંભાતના બંદરના પ્રજાપ્રિય દરોગા ઈસ્માઈલખાન તથા મુત્સદી નજમખાનનું અવસાન થતાં મુફતાખીરખાને રાજ્યના વફાદાર સાથીઓ ગુમાવ્યા. મુફતાખીરખાને ગાયકવાડના કારભારી સાથે વારંવાર તકરાર થતી રહેતી. આથી મુફતાખીરખાનને બાલાજી પેશ્વા સાથે સંધી કરવી પડી. મરાઠા સરદાર શ્રીપતરાવ અને ભગવંતરાવે ખંભાત પર ચઢાઇઓ કરતાં તેમની સાથે સમાધાન કરવું પડ્યું. પરંતું આ બધા વચ્ચે ઇ.સ. ૧૭૫૫માં મુફતાખીરખાને ઘોઘા જીત્યું. અને ત્યાં પોતાનો સરદાર મુક્યો. ઇ.સ. ૧૭૪૪માં દિલ્હીના બાદશાહે તેમને અમદાવાદના સૂબા નિમ્યા.પરંતુ જવામર્દખાન બાબી સાથે કજીયો થતાં તેમને અમદાવાદ છોડવું પડ્યું. પરંતુ મુકતાખીરખાને ઇ.સ. ૧૭૫૬માં અમદાવાદ પુન: મેળવ્યું. આથી દિલ્હીના બાદશાહે, બહાદૂરનો ઇલ્કાબ અને ફરમાન મોકલ્યાં. મુફતખીરખાને ઇ.સ. ૧૭૫૮માં મરાઠાઓ સાથે સંધી કરવી પડે છે.અને તે મુજબ એક લાખ રૂપિયા લઇ અમદાવાદ છોડી દે છે અને ખંભાત કબજે રાખે છે.ખંભાતની અડધી ઉપજ પોતે લે અને અર્ધી પેશ્ર્વાને આપે અને તે ઉપર દર સાલ દસ હજાર રૂપિયા ખંડણી આપે. તોપણ મરાઠાઓ સાથે અવારનવાર લડાઇઓ થતી રહે છે. ઇ.સ. ૧૭૭૨માં મુફતખીરખાનના યુવાન પુત્ર ખાનજહાનનું અવસાન થાય છે. ગુજરાતની તે સમયની રાજકીય ખટપટોમાં મુફતાખીરખાને ખુબ રસ લીધો.

મુફતાખીરખાને ૩૫ વર્ષ રાજ્ય કર્યુ. પણ પ્રજા સુખી ન થઇ. ખંભાત પડી ભાગ્યું. મરાઠા, પેશ્વા, અંગ્રેજ બધાની વચ્ચે પોતાનું રાજ્ય ટકાવવા તેને ભારે સંઘર્ષ કરવો પડ્યો. ઇ.સ. ૧૮૮૨માં પોતાના બનેવીના, પુત્ર મહંમદકુલીનખાનને દત્તક લઇ વારસ બનાવ્યો. ૨૨ જાન્યુઆરી, ૧૭૮૩ના રોજ મુફતાખીરખાનનું અવસાન થયું.

નવાબ મહંમદ કુલીનખાન (ઇ.સ.૧૭૮૩-૧૭૮૯)

મુફતાખીરખાનના મરણ પછી તેમણે દત્તક લીધેલો છોકરો મહંમદ કુલીનખાન તખ્તનશીન થયો. (મુફતાખીરખાનની એક પત્નીની દીકરી જોગીનીખાનમ સાથે મહંમદ કુલીનખાનનું લગ્ન થયેલ. એ સંબંધે મહંમદ કુલીનખાન મુફતાખીરખાનના દીકરા અને જમાઇ થતા હતા !) નવાબ મહંમદ કુલીનખાન છ વર્ષ રાજ્ય કરી ઇ.સ. ૧૭૮૯માં અવસાન પામ્યા.

નવાબ ફતેહઅલીખાન મોમીનખાન (ઇ.સ. ૧૭૮૯ થી ઇ.સ.૧૮૨૩)

નવાબ મહંમદ કુલીખાનને ત્રણ દીકરા હતા. ફતેહઅલીખાન, બંદેઅલીખાન અને યાવરઅલીખાન. મહંમદ કુલીખાનના અવસાન બાદ ફતેહઅલીખાન ગાદીએ બેઠા. ફતેહઅલીખાને દિલ્હીના બાદશાહ શાહઆલમને કિંમતી નજરાણું પેશ કર્યુ, તેથી પ્રસન્ન થયેલા બાદશાહે તેમને ‘નિઝામઉદ્દૌલ્લા મુમતાઝુલમુલ્ક મોમીનખાન બહાદુર દિલાવરનો જંગ’ નો ખિતાબ તથા ખંભાતના નવાબની પદવી આપી. ઉપરાંત દિલ્હીના બાદશાહે પોતાના દરબારના ૬ હજાર ઉમરાવોમાંના એક ઉમરાવ પણ બનાવ્યા.

આ સમયે વડોદરાનો કારભાર સયાજીરાવ ગાયકવાડે પોતાના ભાઇ માનાજીરાવ ગાયકવાડને સોંપ્યો હતો. તેમણે ઇ.સ. ૧૭૭૯માં કાઠી લુંટારાઓના બંદોબસ્ત કરવાના કામ માટે છ ગામ ગાયકવાડે ખંભાતને આપેલાં તે પરત માગ્યાં. ફતેહઅલીખાને તે કરવાની ના પાડી. આથી એવું સમાધાન થયું કે, ગામો ખંભાતના તાબામાં રહે અને ફતેહઅલીખાન તે પેટે ગાયકવાડને દસ હજાર રૂપિયા આપે .મરાઠાઓ મહેસુલ માટે કડક ઉઘરાણી કરતા અને લડાઇઓ કરી પ્રજાને હેરાન કરતા. આથી ફતેહઅલીખાને ઇ.સ. ૧૭૯૨માં કણઝટ, કણીસા, સાઠ, ભીનભીના, જીફર અને ગોરાર એમ છ ગામ પરત કરી દીધાં. ખંભાત રાજ્યને પેશ્વાઓ જોડે સંધી હતી, આથી પેશ્વા સરદારો પણ ખંડણી ઉઘરાવી જતા.

આ અરસામાં ખંભાતની ઉપજમાં ઘણો ઘટાડો થયો હતો. વેપાર ઉધોગ બંધ પડી ગયો હતો. આ દરમિયાન અંગ્રેજોએ ૩૧ ડિસેમ્બર ૧૮૦૨ના રોજ વસઇની સંધી કરી, અને તે અંતર્ગત પેશ્વાએ ખંભાતના સઘળા હક અંગ્રજોને આપી દીધા. અંગ્રજોએ ખંભાતને ખેડાના કલેક્ટરની દેખરેખ નીચે મુક્યું. ઇ.સ. ૧૮૧૮થી ખેડાના કલેક્ટરને ખંભાતનો પોલીટીકલ એજન્ટ બનાવાયો.

૨૮ ઓક્ટોબર, ૧૮૨૩ના રોજ નવાબ ફતેહઅલીખાન નિર્વંશ અવસાન પામ્યા.

નવાબ બંદેઅલીખાન સાહેબ (ઇ.સ. ૧૮૩૩થી ઇ.સ. ૧૮૪૧)

નવાબ ફતેહઅલીખાન અપુત્ર અવસાન પામવાથી તેમના પછી તેમના ભાઇ બંદેઅલીખાન, મોમીનખાન ચોથો એવો ખિતાબ ધારણ કરી તખ્તનશીન થયા. તેઓ ૧૮ વર્ષ રાજ્ય ભોગવી ૧૫ માર્ચ, ૧૮૪૧ના રોજ અવસાન પામ્યા.

નવાબ શ્રી હુસેન યાવરખાનસાહેબ (ઇ.સ. ૧૮૪૧ થી ૧૮૮૦)

નવાબ બંદેઅલીખાનસાહેબના અવસાન પછી તેમના ભાઇ યાવરઅલીખનને ગાદી મળી. પરંતુ તેમણે ગાદી પર ન બેસતાં પોતાના યુવાન પુત્ર હુસેનયાવરખાનને ગાદી ઉપર બેસાડ્યા. અંગ્રેજ હકુમત નીચે રાજ્ય હોઇ વિશેષ ઘટનાઓ બને નહીં. પરંપરાગત પ્રસંગો અને અંગ્રેજી શાસનના પ્રસંગોની ઉજવણી નવાબ હુસેનયાવરખાનના શાસનમાં નોંધાઇ. તેઓ ઇ.સ. ૧૮૮૦માં અવસાન પામ્યા.

નવાબ જાફરઅલીખાન સાહેબ મોમીનખાન છઠ્ઠા (ઇ.સ. ૧૮૮૦ થી ૧૯૧૫)

 નવાબ હુસેનયાવરખાનના પાટવી કુંવર જાફરઅલીખાન ૨૫ ઑગસ્ટ, ૧૮૮૦ના રોજ તખ્તનશીન થયા. એમનો જન્મ ૨૬ ઑગસ્ટ, ૧૮૪૮ના રોજ થયેલ.એટલે ૩૨ વર્ષની વયે તેઓ ગાદીએ બેઠેલા. એમને છ ભાઇઓ હતા : નજુમખાન, નુરુદી્ન મહમંદખાન, બાકરઅલીખાન,ફતેહઅલીખાન, બંદેઅલીખાન અને અલીયાવરખાન.

નવાબ જાફરઅલીખાનની અનીચ્છા હોવા છતાં બ્રિટીશ સરકારે કરાર અન્વયે ખંભાત ખાતે મીઠાનું ઉત્પાદન બંધ કર્યું અને તે પેટે નવાબસાહેબને દર વર્ષે ચાળીસ હજાર રૂપિયા અને પાંચસો મણ મીઠું આપવામાં આવ્યા. વળી, ખંભાત રાજ્યના કેટલાક ગામોમાં અફીણ પકવવામાં આવતું હતું. તે પણ બંધ કરાવામાં આવ્યું. પ્રજા અને રાજ્ય વચ્ચે ઇ.સ. ૧૮૮૨માં અથડામણ થઇ. હુલ્લડ પણ થયાં અને તે પરિસ્થિતિને થાળે પાડવા બ્રિટિશ સરકારે પોલિટીકલ અમલદારોની નિમણુંક કરી. આ સમયના દિવાન માધવરાવ હરિનારાયણ વ્યાસે પ્રજા ઉપયોગી ઘણાં કાર્યો કર્યાં, અને અંગ્રેજોએ પણ આ કામગીરી વખાણી.

નવીબ જાફરઅલીખાન સાહેબ ઇ.સ. ૧૯૧૫માં અવસાન પામ્યા.

નવાબ હુસેનયાવરખાનસાહેબ (૧૯૧૫ થી ૧૯૪૮)

નવાબ જાફરઅલીખાનની ઉત્તરઅવસ્થામાં નવાબ હુસેનયાવરખાનસાહેબનો જન્મ ૧૬ મે, ૧૯૧૧ના રોજ થયો .નવાબ હુસેનયાવરખાન ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતા જાફરખાનસાહેબ અવસાન પામ્યા. માતા સિકંદરજહાં બેગમે નામદારનું ધ્યાન રાખ્યું અને યોગ્ય શિક્ષણ પણ અપાવ્યું. નવાબ સાહેબે નાની ઉંમરમાં જ દેશ અને દુનિયાનો પ્રવાસ કરી દુનિયાદારીનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરેલ.૧૩ ડિસેમ્બર, ૧૯૩૦ના રોજ તેઓ તખ્તનશીન થયા. તેમનાં લગ્ન લાહોરના નવાબ ફતેહઅલીખાન કીઝીલબારાસાહેબના ત્રીજા પુત્રી જનાબે બીબી રુફિયા સુલતાન બેગમ સાહેબ સાથે ૪ જાન્યુઆરી, ૧૯૩૬ના રોજ થયાં. તેમના પુત્ર મીરઝા અહમદજાફર અલીખાનસાહેબનો જન્મ ૧૫ ઑક્ટોબર, ૧૯૩૬ના રોજ થયો.

નવાબ યાવરહુસેનખાન સાહેબે પ્રજાસુખનાં ઘણાં કાર્યો કર્યાં. હિન્દુ મુસ્લિમ વચ્ચે સંપ અને ભાઇચારાના તેઓ હિમાયતી રહ્યા. ભારતની આઝાદી સમયે પૂરા પ્રેમથી ખંભાત રાજ્યને ભારતમાં જોડવાની સંમતી આપી. અને એ રીતે રાષ્ટ્રપ્રેમી પણ બની રહ્યા.

ખંભાત રાજ્ય હિંદી સંઘમાં જોડાયું ત્યારે તેના કુલ ૯૦ ગામ હતાં અને વસતી ૯૬, ૫૦૧ની હતી. ૩૯૨ ચો.મી.ના વિસ્તારમાં ફેલાયેલ આ રાજ્યની વાર્ષિક આવક રૂપિયા ૮,૬૩,૯૪૩ની હતા. ખંભાતના છેલ્લા દિવાન હતા શ્રી રણવીર સિંહ. ખંભાતના નવાબ શિયા મુસલમાન હતા, અને એમને ૧૧ તોપની સલામી અપાતી. ખંભાત રાજ્ય ધ્વારા બ્રિટીશ સરકારને રૂપિયા ૨૧,૯૨૪નું વાર્ષિક નજરાણું અપાતું. આઝાદ ભારતમાં જોડાયેલ ખંભાતના છેલ્લા નવાબને રૂપિયા ૧, ૩૮, ૮૦૦ નું વાર્ષિક સાલિયાણું ભારત સરકાર આપતી હતી, જે ડિસેમ્બર ૧૯૭૧થી બંધ થયું.

 
 

 
.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com