મહેમદાવાદનો ભમ્મરિયો કૂવો
ગુજરાતનો સુલ્તાન મહમ્મદ
બેગડો એની માનું એકનું એક સંતાન હતો, અને ભવિષ્યનો ગુજરાતની ગાદીનો વારસ હતો. એને
કોઇ ઝેર આપી મારી ન નાખે એટલા માટે એની મા એને બાળપણથી જ ખોરાકમાં ઝેર આપતી હતી.
ઝેર એનો ખોરાક થઇ ગયો હતો, અને એ ઝેર પચાવવા માટે એનો ખોરાક પણ ભયંકર હતો. એના
જેટલું ખાનાર માણસ ભાગ્યે જ કોઇ ઇતિહાસના પાને ચઢ્યો હશે. એના શરીર પર માખ બેસે તો
માખ મરી જતી. શરીરમાં ઝેરનો એવો અગ્નિ હોવાથી ઉનાળો એને માટે અસહ્ય બનતો.
અમદાવાદમાં એણે સાબરમતિને કાંઠે કિલ્લાની દિવાલની બહાર નદીમાં પડતો મહેલ બંધાવેલો
કે જેથી ત્રણે બાજુથી એમાં પવન આવી શકે. તે અત્યારે પણ ‘ચાંદા સૂરજના મહેલ’
તરીકે જાણીતો છે. એ મહેલમાં ભોંયરાં પણ કરાવેલાં. પછી તો એણે મહેમદાવાદ વસાવ્યું.
મહેમદાવાદમાં પણ વાત્રકના
કાંઠે મહમ્મદ બેગડાએ ચાંદા-સૂરજનો મહેલ બંધાવ્યો, જેનાં ખંડેર આજે પણ જોવા મળે
છે.દંતકથા કહે છે કે એની બેગમોમાં એકનું નામ ચંદા અને બીજીનું નામ સૂરજ હતું. તેથી
એણે બંધાવેલા મહેલો ચાંદા-સૂરજના નામથી ઓળખાય છે. મહેમદાવાદનો કિલ્લો એણે વિ.સં.
૧૫૫૫ (ઇ.સ.૧૪૯૯)માં બંધાવેલો. તે જ અરસામાં ભમ્મરિયો કૂવો બનાવેલ.
મહેમદાવાદના હાલના રેલ્વે
સ્ટેશનથી ખેડા જવાની સડક ઉપર મહેમદાવાદથી દોઢેક માઇલ દૂર ભમ્મરિયો કૂવો આવેલો છે. આ
કૂવો લગભગ ૩૬ ફૂટ વ્યાસનો છે. એ કૂવાની ચારે તરફ જમીનમાં ઓરડામાં ઉતરવા માટે ચાર
ખૂણે ચાર સીડીઓ છે, અને એ સીડીઓ ગોળ ફરતી હોવાથી આ કૂવાનું નામ
‘ભમ્મરિયો
કૂવો’
પડેલું છે. ખરી રીતે તો એ ભૂગર્ભ મહેલ છે. એમાં પહેલે માળે ચાર અને બીજે માળે આઠ
ઓરડા છે. ઓરડામાં પ્રકાશ કૂવામાં થઇને આવે છે. ઓરડાઓમાં કૂવાની બાજુએ બારણાં છે અને
એ બારણાંની આગળ ઝરુખા કરેલા છે. એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવા માટે પણ બારણાં
મૂકેલાં છે. કૂવો ગોળ છે, પણ આ ઓરડાઓ લંબચોરસ છે. ઓરડાઓના કૂવામાં પડતા ઝરુખાઓ
ઉપરથી કૂવામાં ભૂસકા મારવાની સગવડ છે, અને તરતાં થાક લાગે ત્યારે આરામ લેવા માટે
કૂવામાં સાંકળો જોડેલી છે. આ સાંકળો પકડીને આરામ લઇ શકાય, અને કૂવામાંથી મહેલના
તળિયાના ભાગના ઓરડાઓમાં ચઢી શકાય એવી ગોઠવણ છે. કૂવામાંથી કોસથી પાણી કાઢવા માટે
થાળાં પણ બંધાવેલાં અને તેની ચારે બાજુ લગભગ એક માઇલના વિસ્તારમાં બગીચો કરાવેલો.
તેમાં દરેક જાતનાં ઝાડ વવડાવેલાં. એ ઝાડમાં એક ઝાડ હરડેનું હતું;
મુગલ સામ્રાજ્ય વખતે તેના પર થતી લીલી હરડેનું અથાણું બનાવી ગુજરાતનો સૂબો દિલ્હી
મોકલતો.
મહમ્મદ બેગડાએ રોજ ખવાતા
ઝેરના આતશને ગુજરાતના ઉનાળાની ગરમીમાં ઠંડો પાડવાને માટે ભમ્મરિયા કૂવાની રચના કરી
હતી. એમાં શિલ્પનું કલાકૌશલ્ય છે અને ઇજનેરની બુધ્ધિ પણ છે. ગુજરાતમાં આ કૂવો આથી જ
ખૂબ જાણીતો બનેલ છે. જમીનની અંદર મહેલ બાંધવાનો અને તેમાં પણ કૂવાની આસપાસ
ભૂગર્ભમાં મહેલ બાંધવાનો આવો દાખલો આ એક જ છે.
(ખેડા જિલ્લામાં વાત્રક નદીના કાંઠે આમલિયારાથી ૮ કિ.મી. દૂર મોડવા ગામમાં એક
મુઘલકાલીન કૂવો આવેલો છે, જે મહેમદાવાદના ભમરિયા કૂવાને મળતો છે. ઇંટ-માટીનો બનાવેલ
છે. કૂવામાં સાંકડી કમાન બનાવેલ છે. તેની બીજી બાજુએ ત્રણ મજલાનું ઓરડાવાળું
બાંધકામ જોવા મળે છે. દરેક મજલાનો વચ્ચેનો ઓરડો મોટો અને કમાનદાર બારીઓવાળો બનાવેલ
છે. નાના ઓરડામાં ભમરીવાળી સીડી છે. દીવાલમાં હવા-ઉજાસ માટે વ્યવસ્થા છે. અનેક ગોખ
છે.)
|