AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back






Forward
Share |
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

મહીડા રાવળોની ગાદી – સોજીત્રા

સોજીત્રામાં સોલંકી રાજ્યવંશની શાખા સ્થપાઇ સં. 916 (ઇ.સ. 859-60)માં. આ ગાદી સ્થાપી વાગણદેવજીએ. એમના મોટાભાઇ વીરમદેવજીએ ગોધરાની ગાદી સંભાળેલી. વાગણદેવજી અને વીરમદેવજીએ કાન્હડદેવજીના સુપુત્રો. કાન્હડદેવજી, ચાંચકદેવજીના વંશમાં 26મી પેઢીએ થયા. મૂળે મૂળરાજ સોલંકીના પૂર્વજ બલકંદદેવજીના નાનાભાઇ દલકંદદેવજીએ મહીકાંઠાનો મૂલક મેળવી, ‘મહીડા’ નો ખિતાબ ધારણ કરી ગોધરામાં પોતાની ગાદી સ્થાપી. દલકંદદેવજીના પૌત્ર થાય ચાંચકદેવજી, જેની 26મી પેઢીએ કાન્હડદેવજી થયા.

વાગણદેવજીએ સ્થાપેલી સોજીત્રાની ગાદી પર તેમના પછી તેમના પુત્ર રાયસંગજી (સં.946-973), એમના પછી એમના પુત્ર હરભાગજી (સં.979-990) અને એમના પછી એમના પુત્ર કનકસિંહજી (સં. 990-1026) ગાદીએ આવ્યા. કનકસિંહજી પછી પૃથ્વીરાજજી (સં. 1026-1045), સલતાનજી (સં. 1045-1066), હમીરજી (1066-1079), વીરમજી (સં.1079-1096), પુરણમલજી (સં. 1096-1129) અને મેઘરાજજી (સં.1121-1129) નામે રાજા થયા. મેઘરાજજી પછી રાઓલજી (સં. 1129-1150), વ્રખભાણજી (સં.1150-1170), વીરભાણજી (સં. 1170-1199), કેસરજી (સં. 1999-1230), કલ્યાણસંગજી (સં. 1230-1258), જગરુપજી (સં. 1258) ગાદીએ આવ્યા. આનુશ્રુતિક વૃતાંતમાં આ પછીના અઢીસો વર્ષનો એટલે કે સં. 1258 થી સં. 1513 સુધીનો ઇતિહાસ ઉપલબ્ધ નથી.

ઇ.સ. 1457 (સં.1513)ના અરસામાં સોજીત્રાની ગાદીએ રાવળ જેતસંગજી ઉર્ફે વાગણદેવજી રાજ્ય કરતા હતા. આ દરમિયાન મહમ્મદ બેગડાએ ચાંપાનેર જીતી ત્યાંના ચૌહાણ વંશનો અંત આણ્યો. મહમ્મદ બેગડાની ફોજે આસપાસની નાની નાની ઠકરાતો પર જુલમ ગુજારવા માંડ્યો. જેના પરિણામે ઘણા જમીનદારો અને ઠાકોરો અસ્તવ્યસ્ત થયા. જુલમગારોની કેટલીક ટોળીઓએ સોજીત્રાના મહીડા રાજ્યની સરહદમાં રંજાડ કરવા માંડી. આથી ત્યાંના રાજા વાગણદેવજી તથા એમના ભાઇ સુરાજીએ રૈયતની વહારે ચઢી ટોળીઓનો નાશ કર્યો. આથી છંછેડાયેલા સુલતાને એક મોટું લશ્કર સોજીત્રા રવાના કર્યું. લશ્કર સોજીત્રા આવી પહોંચે તે પહેલાં બંને રાવળ ભાઇઓ સહકુટુંબ પલાયન કરી ગયાને લશ્કરે સોજીત્રાનું રાજ્ય સહેલાઇથી સર કરી લીધું. વાગણદેવજી ઇડરના ડુંગરાળ પ્રદેશમાં જઇ વસ્યા અને ત્યાં તેમણે તિરંદાજોની ટુકડી તૈયાર કરી સલ્તનતની સરહદમાં લૂંટફાટ અને રંજાડ કરવા માંડી. વાગણદેવજી અને સુરોજી આ ધમસાણમાં આખરે ખપી ગયા. પરંતુ વાગણદેવજીના કુંવર જેસંગજીએ બહારવટું ચાલુ રાખ્યું. એથી કંટાળી મહમ્મદ બેગડાએ સં. 1556 (ઇ.સ. 1500)માં જેસંગજી સાથે સુલેહ કરી ગામોના વાંટા તેમને સુપ્રત કર્યા. હવે જેસંગજીએ સં. 1557 ઇ.સ. (1501)માં સાંગોલ (તા.ઠાસરા)માં પોતાની ગાદી સ્થાપી. એમના વંશજો બીજા નંબરના સરદારનું પદ ધરાવતા હતા. ચકલાસી, ચુણેલ વગેરે કેટલાક ગામોનાં વાંટા તેમને તાબે હતાં. આ રાજકુલની સત્તા ત્યાં છેક વિલીનીકરણ (ઇ.સ. 1947) સુધી રહી પરંતુ સોજીત્રામાં એની સત્તા ઇ.સ. 1485ના અરસામાં અસ્ત પામી.

સોજીત્રાના સોલંકી વંશના કુળદેવી ક્ષેમકલ્યાણી માતા. આનુશ્રુતિક વૃતાંત અનુસાર મહીડા રાજા કનકસિંહજીએ સં. 1003 (ઇ.સ.946-47)માં સોજીત્રામાં ક્ષેમકલ્યાણી માતાની મૂર્તિ સ્થાપીને ભીમનાથ મહાદેવનું મંદિર પણ બંધાવ્યું. આ વંશમાં મેઘરાજજી (સં. 1121-1129) રાજા થયા જેઓ ભારે ધાર્મિક વૃતિના હતા. અજાણમાં થયેલી બ્રહ્મહત્યાના પ્રાયશ્ચિતરુપે એમણે દ્વારકાની યાત્રા કરી પુણ્યદાન તથા બ્રહ્મભોજનમાં પુષ્કળ પૈસો ખર્ચ્યો એમ કહેવાય છે કે, છેવટે મેઘરજજીએ એક પીપળાના લાકડામાં પૂરાઇ પોતાનો દેહ ત્યજ્યો.

સોલંકી વંશની ગોધરાની શાખાનો ઇતિહાસ નામે એક પુસ્તક શ્રી ભાઇશંકર વિદ્યારામ પંડીતે લખ્યું છે અને ગાજણા(તા.બોરસદ)ના ઠાકોર સાહેબે ઇ.સ.૧૯૧૯માં પ્રકાશિત કર્યું છે. તેમાં સોજીત્રામાં સ્થપાયેલ મહીડા રાવળોની ગાદીનો ઇતિહાસ પ્રકરણ આઠમાં અપાયો છે. આ પુસ્તકનો આધાર વહીવંચાના વહીવંચાના ચોપડાઓ અને લોકકથાઓ છે. શ્રી ભાઇશંકર વિદ્યારામ પંડિતે એમના આ પુસ્તકમાં ચરોતરના પેટલાદ, નાપા ગઢ, ગાજણા, વાલવોડ, વડોદ, સોનીપુર, કુણા હરેરા, શીમી, છાલીયેર, દેવા માંડવી, અલારસા-ભેટાશી નાપાડના મહીડા રાજ્યવંશ શાખાઓનો વૃતાંત પણ નિરુપ્યો છે. અહીં અમે રજૂ કરેલી માહિતી મૂળ પુસ્તકમાંથી નહીં પરન્તુ અન્ય સ્ત્રોતમાંથી મેળવેલી હોઇ સોલંકી વંશની ગોધરા શાખાની ચરોતરની ગાદીઓને સંપૂર્ણ ઇતિહાસ નોંધી શક્યા નથી. અમને એટલું સમજાયું કે, ચરોતરમાં ઇ.સ.૫૪માં સોલંકી/મહીડા રજપૂતો આવ્યા અને રાજ્યકર્તા બન્યા.

 
 

 
.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com