નડિયાદ-પેટલાદની સફરે જહાંગીર બાદશાહ
જહાંગીર બાદશાહ પ્રવાસનો ઘણો શોખીન હતો. એ સારો શિકારી પણ હતો. હાથી વગેરેનો શિકાર
કરવાના હેતુસર એ ૧૬૧૭માં ગુજરાતમાં આવેલ. દાહોદથી ખંભાત સુધીની
તેની સફરનું વર્ણન પણ જાણવા મળે છે. એ મુજબ, નડિયાદના બજારમાં તેણે પંદરસો
રૂપિયા વેર્યા હતા. પેટલાદ મુકામે તેણે એક હજાર રૂપિયા વેર્યા હતા. જહાંગીર લખે છે
કે, પેટલાદ પરગણું સમૃધ્ધ હતું અને તેની આમદની એક વર્ષ માટે સાત લાખ રૂપિયા હતી.
પેટલાદમાં જહાંગીર બાદશાહે ગાડામાં બેસી પ્રવાસ કર્યો હતો. ચરોતરમાં વાવ-કુવા જોઇ
તેણે એવાં જળાશયો ઊત્તર હિન્દમાં તૈયાર કરાવવા હુકમો છોડ્યા હતા. અહીં તેણે
કઠિયારાઓ વગેરે ભારવાહકોને આરામ મળે માટે થોભિયાઓ જોયા હતા એટલે તેવા આરામસ્થાનો
ઉત્તર પ્રદેશમાં બનાવવાનાં ફરમાન કર્યા હતા. ગુજરાતની ખિચડી તેને ઘણી ગમી ગઇ હતી.
અને માંસ પિરસવાના દિવસો ન હોય ત્યારે માત્ર ખિચડી બનાવવાનો જ આદેશ તેણે આપ્યો હતો.
ખંભાત મુકામે જહાંગીર કુલ દસ દિવસ રહ્યો હતો. તેણે લખ્યા મુજબ ખંભાત બંદર સ્વચ્છ
અને સુઘડ હતું. જહાંગીરને અરબી અખાતની માછલી બહુ પસંદ પડી હતી. ખંભાત બંદરેથી
જહાંગીરે સોના- ચાંદીના જહાંગીરી ટંકાનું નાણું બહાર પાડ્યું હતું. આ સોનાના
સિક્કાઓ ઉપર બાદશાહના પ્રવાસની હિજરી સાલ સને ૧૦૨૭ આપવામાં આવી છે, જ્યારે ચાંદીના
સિક્કાઓ ઉપર બાદશાહની માંડવગઢની મુલાકાત અને દખ્ખણની સવારીનો ઉલ્લેખ કરેલ છે. ખંભાત
બંદરના દાણની આવકમાંથી એક લાખ રૂપિયાની રકમ જહાંગીરને અકબરના અમલથી મળતી હતી.
જહાંગીરના અમલ દરમિયાન ઇ.સ. ૧૬૧૫માં બાદશાહે જેસુઇટ પાદરીઓને ખંભાત મુકામે ચર્ચ
બનાવવા ફરમાન કાઢી આપ્યું હતું, અને તેના અમલ દરમિયાન જ અંગ્રેજોએ ખંભાત મુકામે
કોઠી નાંખી.
ઔરંગઝેબ બાદશાહના અમલના
પ્રથમ વર્ષોમાં ચરોતરમાં શાંતિ હતી. જોકે કોઇ કોઇ વાર સ્થાનીક લોકો મુખ્યત્વે
બારૈયાઓ, તોફાન કરતા હતા. પણ આવા તોફાનોને સખત હાથે દાબી દેવામાં આવ્યાં હતા.
ઔરંગઝેબના અમલ દરમિયાન ગુજરાતમાં પાંચ દુકાળ પડ્યા હતા. ઉમરેઠ ગામ આ વખતે ઘણુ
સમૃધ્ધ ગણાતું હતું. આ સમય દરમિયાન જ મરાઠાઓ મહી નદી સુધી આવી લુંટફાટ કરવા માંડ્યા
હતા.
|