AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back






Forward
Share |
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

નાપાની ગાદી

સોલંકી વંશની ગોધરા ગાદીની વિ.સં. ૨૯૭માં સ્થપાયેલ બાકરોલ ગઢ શાખા ૩૨૫ ગામની હતી. ક્ષત્રિયોના પ્રખ્યાત ગણાતા છત્રીસ ગઢમાં બાકરોલ ગઢની પણ ગણના કરવામાં આવે છે. બાકરોલ ગઢ મહીડા એમ ગઢની ખ્યાતિમાં છે.

વિ.સં. ૫૮૬માં હરભમજી બાકરોલ ગઢની ગાદી પર બિરાજતા હતા. એમના બે કુંવરઃ 1. મુદરાજજી અને 2.વીરમદેવજી. મુદરાજજીએ વિ.સં.૫૮૬માં નાપાની ગાદી અને વિરમદેવજીએ કુણા હરેરા (મહેમદાવાદ)ની ગાદી સ્થાપી. મુદરાજજીની નાપા ગાદીના તાબામાં ૧૦૬ ગામ હતાં.

નાપા ગાદીનો અલપઝલપ ઇતિહાસ કંઇક આવો છે.

મુદરાજજી પછી પાંચ રાજાઓ ગાદીએ આપ્યા. તેમની આઠમી પેઢીએ લખધીરજી વિ.સં. ૧૧૨૧માં ગાદીએ બેઠા. લખધીરજીના સમયમાં સિધ્ધરાજ જયસિંહે ભેટાસીની ગાદી વિ.સં.૧૧૫૪-૫૫માં સ્થાપી. આ અંગેની કથા કંઇક આવી છે.

 લખધીરજી સુદ્રઢ અને ધર્મશીલ હતા. તેમણે પોતાનાં તાબાનાં ગામોમાં શિકાર કરવાની મનાઇ ફરમાવેલી. તે વખતે સિધ્ધરાજ જયસિંહ પાટણમાં રાજ્ય કરે. ખંડણી ઉઘરાવતાં ઉઘરાવતાં સિધ્ધરાજ નાપા આવેલ. લખધીરજીની આગતા-સ્વાગતાથી બંને વચ્ચે સારી પ્રીતિ બંધાયેલ. આ તકનો લાભ લઇ, લખધીરજીએ સિધ્ધરાજ જયસિંહને વિનંતી કરી કે તેના રાજ્ય ઉપરથી ઘાસચારાની કનડગત બંધ થવી જોઇએ. સિધ્ધરાજને આ વાત ગળે ઉતરી નહીં. અને પરિણામ વિગ્રહમાં આવત, પણ લખધીરજીએ સમાધાન કરી નાપાની ગાદીમાંથી ૪૪ ગામ સિધ્ધરાજને આપવાનાં ઠરાવી ઘાસચારાની કાયમી તકરારનો નિવેડો આણ્યો. આ ગામો સિધ્ધરાજે પોતાના સાળા દેજળદેવ પરમારને સાળાકટારી પેટે આપ્યાં. તે ગામોની સત્તા છૂટી પડી ભેટાસી-અડાસ ગામોમાં સ્થપાઇ. આ ભેટાસીની ગાદી સાથે સોજિત્રા-પાટણમાંથી મંગળપુર, નિસરાયા, વાસણા અને વાછિયેલ ઉમેરી કુલ ૪૮ ગામો ભેટાસી ગાદીમાં થયાં.

નાપા ગાદીના એક લોકપ્રિય રાજવી હતા દુધાજી મોટા. એમ કહેવાય છે કે, અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર હુમલો કર્યો ત્યારે  ગુજરાતના અન્ય રાજવીઓ સાથે તેમણે પણ તેનો સામનો કરેલો. પણ, આ યુધ્ધમાં હાર થતાં તેમની અન્ય રાજાઓ સાથે ધરપકડ થયેલી અને દિલ્હી લઇ જવાયેલા. આથી નાપા ગાદીના લોકો ખૂબ વ્યથીત થયેલા. તેમની નારાજગી જોઇ નાપાના એક દસૌદી બારોટે દુધાજીને છોડાવ્યા વિના અન્ન નહીં લેવાના સોગંધ લીધા. બારોટ કવિ દિલ્હી પહોંચ્યા અને પોતાની કાવ્યશક્તિથી બાદશાહને રાજી કરી, વરદાન પેટે પોતાના રાજવીને છોડાવ્યા. દુધાજી મોટા ત્યાંથી તીર્થાટને ગયા અને પ્રાયશ્ર્ચિત કરી નાપામાં પરત ફર્યા.

નાપા ગાદીએ વિ.સં.૧૩૭૧માં દુધાજી નાના થયા. એમણે દરબાર, રાજકૂવો ને મહાકાળેશ્ર્વર મહાદેવ બંધાવ્યાનું પ્રાચીન લેખોમાં મળી આવે છે.

રાણા દુધાજી નાનાને ચાર કુંવરઃ મોટાજી, જોધાજી, સોમાજી અને અજાજી. જોધાજીને જીવાઇ પેટે ૨૭ ગામની જાગરી મળી જેમાંથી વિ.સં.૧૪૮૦માં તેમણે ગઢગાજણામાં ગાદી સ્થાપી. સોમાજીએ સાડી ચોવીસ ગામ લઇ મહીને કાંઠે વાલવોડમાં ગાદી સ્થાપી. અજાજીએ દેવામાં ગાદી સ્થાપી. મોટાજી પાસે ત્યારબાદ નાપા ગાદીમાં સાડી પિસ્તાલીસ ગામ રહેલાં. રાણા મોટાજી દુધાજીને ૧૨ કુંવર હતા; અખેરાજજી સૌથી મોટા. અખેરાજજી ગાદીએ આવતાં અન્ય ૧૧ કુંવરોને જિવાઇ મળી. અરનીગાજીને અલારસા અને કોસીંદ્રા, અદાજીને બોરિયા, વાઘજીને સીસવા, વીરમજીને જસદણ, અદેસંગજીને મોગરી, ભૂરાકુઇ અને સુણાવ, સુજાજીને વડદલા, જલા, ગાના અને ગાડા, કેસરજીને સિંહોલ અને લાખાજીને ગોરવા. અખેરાજજીના કુંવર વજેરાજજીએ જીવાઇ પેટે ધર્મજ, સુંદરણા, ખડિયાળ, વઘાસી, વડેલી, વીરોલ અને શિહોરા ગામ લઇ ધર્મજમાં ઠકરાત બાંધી.

સોલંકી વંશ મોલેસલામ બન્યો ! અખેરાજજી બાદ તેમના પાટવી કુંવર આશાકરણજી નાપાની ગાદીએ આવ્યા. આ સમયે મહમદ બેગડાની સત્તા અમદાવાદમાં હતી. મહમદ બેગડો માતર-ખેડાના પરમારની દીકરી સાથે પરણ્યો હતો. પરમાર રાણીનો એક ભાઇ એક વખત મહમદ બેગડાને મળવા ગયો. બાદશાહે ભોજનનું નિમંત્રણ આપ્યું, જેનો તેણે ઇન્કાર કર્યો. આથી બેગડો ખિજાયો અને પરમારને મારી નાખવાની ધમકી આપી. આથી પરમારે ભોજન લીધું. આ વાતની જાણ થતાં અન્ય રાજપૂતોએ તેની સાથે વહેવાર બંધ કર્યો. પરમારે સામાજિક બહિષ્કારની ઘટના પોતાની બહેનને કહી, અને બહેને બેગડાને કરી. મહમદ બેગડાએ મહીકાંઠાના તમામ ઠાકોરને પકડી મંગાવી પોતાની સાથે જમાડ્યા. આશાકરણજી તેમાંના એક હતા. મુસલમાન બાદશાહને ત્યાં ખાણું ખાઇ તેઓ વટલાયા, તે દિવસથી તેઓ મોલેસલામ ગરાસિયા કહેવાયા. બાકીના ઠાકોરો નાસી છૂટ્યા. બેગડાએ તેમની જાગીરો અને જમીનો જપ્ત કરી. ત્યારથી ખાલસા અને વાંટો એમ ગરાસોના બે ભાગ પડી ગયા. (મહેમુદ બેગડાનો સમય ૧૪૫૮- નો એટલે આ ઘટના આ સમય દરમિયાન બની હોવી જોઇએ.)

આશાકરણને ત્રણ કુંવરઃ અદેસિંગજી, રાવળજી અને જગાજી. અદેસિંગજી નાપાની ગાદીએ આવતાં રાવળજીને રાસ અને સંદેસર તથા જગાજીને વહેરા અને કાવીઠા જીવાઇ પેટે મળ્યાં.

અદેસિંગજી પછી અગરાજી અને પછી કરણજી થયા. વિ.સં. ૧૭૫૦ની આસપાસ નાપા ગાદીનો સૂર્યાસ્ત થયો એમ કહી શકાય.

 
 

 
.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com