લાડણીબીબીનું કપડવંજ (અંદાજે ૧૩મી સદી)
અલાઉદી્ન ખીલજીની ધર્માંધતાએ આખા ગુજરાતમાં દેવ મંદિરોનો લગભગ નાશ કર્યો અને પ્રજા
દુખી થઇ ગઇ. ત્યાર બાદ ઘણા જ ટૂંકા સમયમાં તે વખતના રાધનપુરના મુસલમાની લશ્કરે
રજપૂતો પાસેથી કપડવંજ જીતી લીધું. અને રાહને આરે વસેલું કપડવંજ ભાગ્યું, અને
છિન્નભિન્ન થઇ ગયું. તે જ રાધનપુરના નવાબના જનાનખાનની એક બેગમ લાડણીબીબીએ કોઇપણ
કારણસર રાધનપુરથી કપડવંજ આવીને વસવાટ કર્યો.
લાડણીબીબીએ નવું કપડવંજ વસાવ્યું. બીબીએ શહેરને ફરતે મજબૂત કિલ્લો બંધાવ્યો. અને
તેના રક્ષણ માટે લશ્કરી ખમીરના મુસલમાનોને દરેક દરવાજા આગળ વસાવ્યા કે જેથી બહારના
આક્રમણોનો સામનો થતો રહે અને શહેરની અંદર રહેલી પ્રજા પોતાનો જીવન વ્યવહાર વિના
હરકતે ચલાવે રાખે. તેણે સિધ્ધરાજ જયસિંહે બંધાવેલી કુંડવાવ અને બત્રીસ કોઠાનીવાવ
શહેરની મધ્યમાં રાખીને હિંદુઓની ધર્મિકભાવનાને પોષી. તેવી જ રીતે કંસારવાડાના ચકલે
રહેતા કંસારા લોકોને પોતાની કુળદેવી હર્ષદ માતાની મૂર્તિ ટાંકલાની દેરી આગળથી લાવી
શેઠ શામળભાઇની ખડકીમાં પ્રતિષ્ઠા કરવા દઇ કારીગરોને ઉત્તેજન આપ્યું. લાડણીબીબીએ
વસ્તીને એવી રીતે રહેવાની ગોઠવણ કરી આપી કે એક જાતિના લોકોની સાથે બીજી જાતીના લોકો
રહે નહીં.
શહેરના રક્ષણ માટે લાડણીબીબીએ એના કોટના દરેક દરવાજે મુસલમાનોને વસાવ્યા. જેમકે,
સરખીલિયાના દરવાજે મેવાતી મુસલમાનો, અતિસરિયા દરવાજે બેહેરિમ અટકવાળા
મુસલમાનો,નદીના દરવાજે જોઈઆ મુસલમાનો મૂક્યા. નદીના દરવાજા આગળ વસતા ચારસો ઘરના
લુહારો લોઢાનો ઉદ્યોગ ચલાવતા. એક વખત અજાણ વનસ્પતિથી લોઢાનું રૂપું થઇ ગયું .તે શી
રીતે થયું તે ન સમજાવાથી
અને એ બનાવ રાજગુનો ગણાવાની બીકથી તેઓ પરદેશ ચાલ્યા ગયા. કહેવાય છે કે તે
લોકો વઢવાણ, લીંબડી તથા અમદાવાદ તરફ જઇ વસ્યા છે. ઉત્તર તરફ ડબગર લોકોની વસતિ છે.
પરંતુ તે દરવાજો ધાસ્તી લાગવાથી પુરાવી નાખ્યો અને ઘાંચીવાડા આગળ એક નાનો દરવાજો જે
ઘાંચીબારી તરીકે ઓળખાય છે તે પાડ્યો.ત્યાં સરકારી ગઢ હતી (અને હાલ સરકારી કોર્ટ
છે).
એમ મનાય છે કે લાડણીબીબીને તે વખતના જૈન વણિકોએ સારી મદદ કરી હતી. સખીદાસ નામના
શાહુકારે સરખલિઓ કૂવો બંધાવ્યો, અને તેની યાદગીરીમાં તે તરફના કોટના દરવાજાને
સરખલિયાનો દરવાજો એવું નામ આપ્યું. લાડણીબીબીએ મીઠા પાણીનું સરોવર ખોદાવ્યું હતું
તે જો કે પુરાઇ ગયું છે પરંતુ મીઠા પાણીનો દરવાજો તથા તેની પાસે પોતાને હવા ખાવા
માટે યાદગીરીમાં બંધાયેલો ‘સરદાર બાગ’
પ્રખ્યાત છે. હાલ મ્યુનિસિપાલિટી છે તે જગ્યાને ‘હાથીયો
બુરજ’
કહેવાતો કેમકે બીબીના વખતમાં ત્યાં હાથીઓ બંધાતા. સરકારી ગઢી ખાતે બીબીનું
નિવાસસ્થાન હતું, આજે ત્યાં ખંડેરો છે. હાલની સબ રજિસ્ટ્રારની કબર આગળ લાડણીબીબીની
કબર છે.
કપડવંજની પ્રજા રાહના આરેથી હાલના સ્થળે લાડણીબીબીના સમયકાળમાં આવીને વસી,અને તે
માટે લાડણીબીબીએ શહેરનું જે રીતે આયોજન કર્યું, તેવું આયોજન તત્કાલીન નગરોમાં કે
પછી પણ ભાગ્યે જ જોવા મળે છે. કપડવંજ શહેરના નમૂનેદાર આયોજન અને રચના માટે
લાડણીબીબી હરહંમેશ ઉલ્લેખનીય રહેશે.
|