AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back






Forward
Share |
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

મુસ્લિમ સત્તા (૧૨૯૭ – ૧૭૫૩)- પ્રારંભ

ઈ.સ. ૧૨૯૭-૯૮માં અલાઉદી્ન ખલજીના બે સરદારો ઉલ્લુઘખાં અને નસરતખાં ગુજરાતમાં દાખલ થયા અને વાઘેલા રાજા કરણરાયને હરાવી પાટણમાંથી અને ગુજરાતમાંથી કાઢી મૂક્યો. ત્યારથી ગુજરાતમાં, અને તેથી ચરોતરમાં, પણ મુસ્લિમ સત્તાની શરુઆત થઈ.

અલાઉદી્ન ખલજીના સરદાર નસરતખાંએ ગુજરાતને તાબે કરવાના ભાગ રુપે ખંભાત બંદર સર કર્યું. તેણે ખંભાતના લોકોને ખૂબ લૂંટ્યા અને અનેક સ્ત્રીઓને દાસી બનાવી મુસ્લિમ પ્રદેશ તરફ મોકલી આપી . એણે ખંભાત બંદરમાંથી હજાર દિનારી મલેક કાફુર નામના એક ગુલામને પકડી દિલ્હી મોકલેલો, જે અલાઉદી્ન સુલતાનના સમયમાં પાછલા વર્ષોમાં સારી રીતે પ્રખ્યાત થયો. ખંભાત બંદર તાબે થતાં સમગ્ર ચરોતર પ્રદેશ દિલ્હીની સલ્તનતને તાબે આવી ગયો. અલાઉદી્ન ખલજીનો બીજો સરદાર ઉલુઘખાં સોરઠ તાબે કરવા ગયેલ.

અલાઉદી્ન ખલજીને લાગ્યું કે, ગુજરાતની પ્રજા નવી સત્તાને તાબે થતી નથી તેથી તેણે દિલ્હીથી પોતાની મિજલસના પ્રમુખ અને બેગમના ભાઈ અલ્પખાંને ગુજરાતમાં હાકેમ તરીકે મોકલ્યો, અને અલ્પખાં ગુજરાતમાં ઈ.સ. ૧૩૦૦થી ઈ.સ. ૧૩૧૬ સુધી ગુજરાતના હાકેમ તરીકે રહ્યો. તેનો કારભાર ચરોતર માટે સુખદ હતો. (ડૉ. છોટુભાઈ નાયકના મતે, ઉલુગખાન અને અલ્પખાન ખિતાબનાં નામ છે.)

દિલ્હીમાં મોહમ્મદ તોગલખના તોગલખવંશી શાસન દરમિયાન ગુજરાતમાં નાના- મોટા બખેડા થતા રહ્યા. આ બંડખોરો દબાવવા મોહમ્મદ તોગલખ ઈ.સ. ૧૩૪૪ અને ઈ.સ. ૧૩૪૫માં ગુજરાતમાં આવ્યો અને બળવાખોરોને કબ્જે કર્યા. હાર થતાં સોરઠ બાજુ નાસી છુટેલા બંડખોરોની પાછળ પડેલા મોહમ્મદ તોગલખનું તાવની બિમારીથી ઈ.સ. ૧૩૫૧માં અવસાન થયું. મોહમ્મદ તોગલખ પછી ફિરુઝ તોગલખના સમયની કોઈ રાજકીય ઘટના જાણવા મળતી નથી. ઈ.સ. ૧૩૯૧માં ઝહૂરખાં નામનો એક સરદાર ગુજરાતનો હાકેમ નિમાયો, જે ઈ.સ. ૧૪૦૭માં દિલ્હીની સત્તાથી મુક્ત થઈ મુઝફ્ફરશાહ નામ ધારણ કરી ગુજરાતનો સુબો બન્યો. આ સુબાએ વીરપુર મુકામે શાસનની કામગીરી પોતે સંભાળી અને શાહી નિશાનો ધારણ કરી પોતાના નામના સિક્કા પડાવ્યા.

ઈ.સ. ૧૪૧૧માં સુલતાન એહમદખાં ગુજરાતમાં સુલતાન બન્યો. મિરાંત – એ- સિકંદરીમાં તેના સમયમાં ચરોતરમાં બનેલ એક ઘટના નોધવામાં આવી છે.એહમદશાહ સામે તેના કુટુંબીઓએ  મોડાસા, વડોદરા, રાંદેરી વગેરે સ્થળોએ બખેડાઓ ઉઠાવ્યા હતા. તેમાં તે લોકોને ઇડરના રાવ રણમલ્લનો સાથ હતો. ઉપરાંત, નડિયાદ મુકામે ત્રણ ખત્રીઓ જીવણદાસ, વિનાયકદાસ અને પ્રાણદાસ- એ પણ બંડખોરીને સાથ આપેલો. બંડખોરોએ નડિયાદ સર કર્યુ ત્યારે ખત્રી જીવણદાસે તેમને તુરત પાટણ દોડી જવાની સલાહ આપી હતી. પણ પરસ્પર તકરાર થતાં તેઓ એકમત થઈ શક્યા નહીં. બળવાખોરમાંના કેટલાક ખંભાત તો કેટલાક ખેરાલુ તરફ ભાગી ગયા. આ લડાઈમાં ખત્રી જીવણદાસ માર્યો ગયો. જે બળવાખોરો શરણે આવ્યા તેમને એહમદશાહ સુલતાને માફી આપી. એહમદશાહ સુલતાને ગુજરાતમાં વાંટાનું ધોરણ દાખલ કર્યુ. એટલે હિન્દુ રાજાઓનાં ગામોનો પોણો ભાગ તળપદ સુલતાનને હસ્તક ગયો જ્યારે ચોથા ભાગનો કબ્જો વાંટા મૂળ ગરાસદારને કબજે રહ્યો. આથી ચરોતરના નાના હિન્દુ રાજાઓ સુલતાનને સલામી ભરતા થયા.

ઈ.સ. ૧૪૫૧માં સુલતાન મોહમ્મદશાહનું અવસાન થતાં, તેનો શાહજાદો જલાલખાં કુત્બ-ઉદ-દી્ન એહમદશાહ બીજો નામ ધારણ કરી ગુજરાતનો સુલતાન બન્યો. તેના સમયમાં કપડવંજ પાસે તેની અને માળવી સુલતાન વચ્ચે યુધ્ધ થયું હતું. ઈ.સ. ૧૪૫૮ ૨૫ મે, રવિવારના રોજ મહેમુદ બેગડો ગુજરાત દેશનો સુલતાન થયો. તેના અમલના બીજા વર્ષમાં એટલે કે ઈ.સ. ૧૪૬૦-૬૧માં કપડવંજ પાસે બે વાર બંડ થયાં, જેને તેના સરદારોએ ડાબી દીધાં. તેણે વાત્રક નદીના કિનારે મહેમુદાબાદ- મહેમદાવાદ વસાવ્યું.

મહેમુદ બેગડો મહીકાઠાંના એક રાજપૂત ગિરાસદારની પુત્રી હરબાઈને પરણ્યો હતો, જે હરબાઈનો પુત્ર શાહજાદો ખલીલખાં બીજા મુઝફ્ફરશાહ તરીકે મહેમુદ બેગડાના મરણ બાદ ઈ.સ. ૧૫૧૧ના નવેમ્બર માસમાં ગુજરાતનો સુલતાન બન્યો. તેના પછી તેનો પુત્ર સિકંદર અને તેના બાદ બહાદૂરશાહ સુલતાન થયા.

ઈ.સ. ૧૫૨૬માં મુઝફફરશાહ બીજાનો પુત્ર બહાદુરશાહ ગુજરાતનો સુલતાન થયો. દિલ્હીના બાદશાહ હુમાયું ને બહાદુરશાહ વચ્ચે ઈ.સ. ૧૫૩૪માં યુધ્ધ શરુ થયું. હુમાયુંને ખબર પડી કે બહાદુરશાહ દીવ થઈ ખંભાત બંદરે ઊતરેલ છે, તેથી તેણે પણ ખંભાત મુકામે ડેરા નાખ્યા. બહાદુરશાહ દીવ નાસી ગયો. આ સમયે ચરોતરના રજપૂતો બારૈયાઓ પણ હુમાયુ સામે થયા. તેમની સંખ્યા પાંચ છ હજાર હતી.પરંતુ એક કેદીની માએ તેઓની યોજના હુમાયુંને જણાવી દેતાં દિલ્હીના બાદશાહે નિર્દયતાથી આ તમામ બંડખોરોની કત્લેઆમ કરી. આ લડાઈ બાદ હુમાયુ પરત ફર્યો, તો ચાંપાનેરથી દીવ પરત ફરતાં દરિયામાં ડૂબી જવાથી બહાદૂરશાહનું અવસાન ૧૫ ફ્બ્રુઆરી, ૧૯૩૭ના રોજ થયું.

મહેમુદ ત્રીજો ઈ.સ. ૧૫૩૭માં ગુજરાતનો સુલતાન બન્યો અને ઈ.સ. ૧૫૫૪માં તેના નોકર બુર્હામને હાથે માર્યો ગયો. તેના વઝીર આસાદખાંના વહીવટથી પ્રજા ત્રાસી ગઈ હતી. તેના પછી અહેમદશાહ ત્રીજો સુલતાન થયો અને તેનો અમલ ઈ.સ. ૧૫૬૧ સુધી રહ્યો. તેના અમલ દરમ્યાન અમિરોમાં ફાટકૂટ પડી અને અમીરોએ સલ્તનતને વહેંચી લીધી. અહેમદશાહ ત્રીજાના વઝીર એતેમાદખાંને ભાગે પેટલાદ અને નડિયાદ વિસ્તાર આવ્યા. આમાંથી નડિયાદ એતેખાંદ-ઉદ-દૌલાને અને નડિયાદ વટવાના વતનદાર મુબારક સૈયદને સોંપાયેલ. મુઝફફરખાન ત્રીજો ઈ.સ. ૧૫૬૧માં ગુજરાતનો સુલતાન થયો ત્યારે એને એતેમદખાંને ખંભાત બંદર હવાલે કરવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૫૬૭માં ચિંગિઝખાં નામના એક અમીરે ઈતેમાદ-ઉદ્-દૌલાને નડિયાદ પાસે હરાવેલ. ટૂંકમાં, ગુજરાતના અમીરો પરસ્પર નાની લડાઇઓ કરી પોતાનું અને સલ્તનતનું બળ ઓછું કરતા હતા.

 
 

 
.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com