|
|
|
સંદેસરના સંત પ્રીતમદાસ (ઇ.સ. ૧૭૧૮-૧૭૯૮)
‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને’
એવું સ્પષ્ટ કહેનારા સંતકવિ પ્રીતમદા�����, ડૉ.અશ્વિનભાઇ ડી. પટેલના સંશોધન મુજબ, જન્મે
બારોટ હતા અને અમુક ઉંમરથી અંધ થયેલા. તેઓ બાવળા (તા.ધોળકા)ના નહીં પણ સૌરાષ્ટ્રમાં
આવેલા રાણપુર પાસેના ચૂડા ગામના વતની હતા. તેઓનો જન્મ ઇ.સ. ૧૭૧૮માં ચૂડા મુકામે
પિતા રઘુનાથજીના ઘરે નહીં પણ પ્રતાપસિંહ બારોટના ઘરે માતા જેકુંવરબાની કુખે થયેલો.
રામાનન્દી સાધુ સંસ્થાઓમાંની એક
‘ધ્વારા-ગાદી’
જીંથડા (તા.પીપાડ. જિ.જોધપુર. રાજસ્થાન મુકામે આવેલ કુબાજીસ્થાપિત શ્રી જાનરાયજીનું
મંદિર)ની શાખા તે ચૂડાનું શ્રી રઘુનાથજીનું મંદિર અને તેના બાબા ભાઇદાસજીને
પ્રીતમને બારેક વર્ષની નાની વયે રામાનન્દી દીક્ષા આપી
જમાતમાં જોડેલ.
પ્રીતમદાસ એક રામાનંદી નૈષ્ઠિક બ્રહ્મચારી બાવા હતા. પ્રીતમદાસ અપરણીત હતા,
‘નરવા’
હતા. શેરખીના સંત રવિદાસજીએ એમના પદપત્રમાં સ્વામી પ્રીતમને આપેલ અંજલિમાં પણ
કહેવાયું છેઃ
‘વિષયા રોગ સમૂળો કાપ્યો, રહ્યા નિરંતર નરવા.’
પ્રીતમદાસની વાણીની સાખીમાં છેઃ ‘કહે પ્રીતમ પરણ્યા નહીં, રહ્યા સ્વરુપે તેહ.’
પ્રીતમે દશ વર્ષ તીર્થાટન કર્યું, અને જીવનનાં છેલ્લાં ચાલીસ વર્ષ સંદેશરમાં રહ્યા.
સંદેશરના નિવાસ દરમિયાન પ્રીતમે રચેલા ગ્રંથો છેઃ સરસ ગીતા (વિ.સં.૧૮૩૧), જ્ઞાન
કક્કો (વિ.સં.૧૮૩૨), સોરઠ રાગના મહીના (વિ.સં.૧૮૩૮), જ્ઞાન ગીતા (વિ.સં.૧૮૪૧), ધરમ
ગીતા (વિ.સં.૧૮૪૧), સાખી ગ્રંથ (વિ.સં.૧૮૪૫), એકાદસ સ્કંધ (વિ.સં.૧૮૪૫), જ્ઞાન
પ્રકાશ (વિ.સં.૧૮૪૬), બ્રહ્મલીલા (વિ.સં.૧૮૪૭), પ્રેમ પ્રકાશ (વિ.સં.૧૮૪૭), અને
ભગવદ્ ગીતા (વિ.સં.૧૮૫૨). સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ તરફથી
‘પ્રીતમ કાવ્ય’
નામનો દળદાર ગ્રંથ પ્રકાશિત થયેલ છે.
નાનપણથી દીક્ષિત એવા રામાનન્દી સાધુ પ્રીતમ
‘અની અખાડા’ના એક આચાર્ય હતા. મંદિરના મહંત હતા. અનેક ચેલાઓ અને
શિષ્યોના એ
‘બાપજી’
હતા. તેઓ સ્વરચિત કૃતિઓની – શાસ્ત્રગ્રંથોની કથા કરતા હતા. ઉચ્ચકોટિના કથાકારની કથા
સાથે કીર્તન-ઓચ્છવ તો હોય જ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં એક વિલક્ષણ
ઓચ્છવ-પરંપરા ઊભી કરેલી. અમુક વર્ષો સુધી
‘સાધુ તો ચલતા ભલા’ની
રીતે પોતે રામાનંદી જમાતના
‘અનિકેત’
નાગા બાવા રહ્યા;
વૈરાગી વિરક્ત સાધુ રહ્યા. પણ પછી ૪૩ વર્ષની વયે એટલે વિ.સં. ૧૮૧૭માં પ્રીતમદાસ
‘સનિકેત’
સ્વામી બની સંદેસરના શ્રી કુંજબિહારી મંદિરમાં બેસી
‘અસ્થાન
ચેતાયા’
જેવું કરે છે, અને એમ
‘સનિકેત’
એટલેકે સ્થાનકવાસી બની રહે છે. જો કે ત્યાંથી ચાતુર્માસ સિવાયના મહિનાઓમાં પોતે
ઓચ્છવ-કિર્તન-કથાવાર્તા કરતા-કહેતા. ગામેગામ પર્યટન-પ્રવાસ કર્યે જતા;
મંદિરોનાં પુનરોધ્ધાર કરીને મંદિરોની સ્થાપના કરીને, પોતાના એકાદ લાયક બ્રહ્મચારીને/ચેલાને
ત્યાં મહંત તરીકે બેસાડીને –
‘ચાદર’
ઓઢાડીને આગળ વધતા. આમ, એક અઠંગ પર્યટક એવા
પ્રિતમદાસની મંદિર પરંપરા, ઓચ્છવ પરંપરાને શિષ્ય પરંપરા ઉત્તરોત્તર વધતી ચાલી.
સંદેસરમાં રહ્યા કેડે શ્રીરામની ભક્તિ ઉપરાંત પોતે કૃષ્ણભક્તિના પુષ્ટિમાર્ગ તરફ
ઢળ્યા. એ સમયની માંગ હતી. પ્રીતમદાસ પણ ડાકોરમાં ઠાકોરશ્રી રણછોડરાયજીના પુનમિયા
ભક્ત બન્યા. દર પૂનમે ડાકોરમાં એમને ઇચ્છારામ ભટ્ટજી, નાથ્થુરામ ભટ્ટજી, ગુરુ
ગોવિંદરામ,
સંત રવિદાસજી, દાસ સીભાઇ, જોરામ જોગી, ભક્ત પરભુરામ અને હીમા ભગત જેવા
ખ્યાતનામ સમકાલીન સંતભક્તોનો સત્સંગ-સમાગમ થતો. પ્રીતમદાસે પોતાનાં લગભગ સવાસો
જેટલાં સ્થાનકો-મંદિરોમાં અન્નક્ષેત્ર, સદાવ્રત, ગૌશાળા, કૂતરાને રોટલા ને કબૂતરોને
ચણવિતરણ કરવા વગેરેની પરંપરાઓ સ્થાપી અને તેનું ચોક્સાઇપૂર્વક જતન થતું. તેઓ
વચનસિધ્ધિવાળા હતા અને તેમની વચનસિધ્ધિના અનેક પરચા આજે પણ સાંભળવા મળે છે.
ડૉ.અશ્વિનભાઇ પટેલ લખે છે, શ્રી સહજાનંદ સ્વામી અને શ્રી સંતરામ મહારાજશ્રીની અગાઉ
અને એમની પહેલી પચ્ચીસી દરમિયાન સત્સંગની, એનાં પૂરાં રસ રંગ વ્યાપ્તિ સાથે
ગુજરાતમાં પ્રીતમ સ્વામીએ એક નિશ્ચિત પરંપરા પૂરી પાડી.
|
|
|