AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back






Forward
Share |
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

ઉદો મહેતા (ઇ.સ. ૧૦૫૦ થી ૧૨૦૦ની અંદર)

ચાવડા અને સોલંકી રાજાઓના શાસનકાળમાં ખંભાત અમરાપુરી જેવું હતું. રાજાઓની તેના ઉપર સંપૂર્ણ કૃપા હતી; એટલું જ નહીં પણ તેના ઉપર નીમવામાં આવતા મંત્રીઓ ખરા રાજભક્ત, પ્રજાપાલક, ઘનાઢ્ય, દિર્ઘદ્રષ્ટિવાળા અને ધર્મપ્રેમી હતા. એવા જે મંત્રીઓએ ઉજ્વળ રીતે રાજ્યકારભાર ચલાવી પોતાનાં નામ અમર કર્યાં છે તેમાં સૌથી પહેલું નામ ઉદયન મંત્રીનું આવે છે. ખંભાતની પ્રેમઘેલી જનતા લાડથી તેને ઉદા મહેતાના નામથી સંબોધતી, એમ ખંભાતનું સાંસ્કૃતિક દર્શન પુસ્તકમાં લેખક નર્મદાશંકર ત્ર્યમ્બકરામ ભટ્ટે લખ્યું છે.

ઉદા મહેતાની જીવનકથા કંઇક આવી જાણવા મળે છે. ઉદયન મૂળ મારવાડનો શ્રીમાળી વણિક હતો. ખાનદાની કુટુંબમાં જન્મેલો, પણ લક્ષ્મીદેવીની તેની ઉપર અવકૃપા હતી. દારુણ ગરીબીમાંથી છૂટવા તે વતન છોડવાની ફિરાકમાં ફરતો હતો. એક દિવસ ગરીબીની વ્યથાથી મતિભ્રમ થયેલ ઉદાએ ખેતરમાં કામ કરતા મજૂરોને એના મજૂરો ક્યાં છે એવો પ્રશ્ન પૂછ્યો. મજૂરોએ પણ મશ્કરી કરતાં કહ્યું, કર્ણાવતીમાં. એ પહોંચી ગયો ગુજરાતના કર્ણાવતીનગરમાં, કુટુંબ સહીત. એક લાછિ નામની જૈન બાઇએ તેને રહેવા ઘર આપ્યું. થોડું કમાતાં, તેને મકાન સમારકામ કરાવવાની ઇચ્છા થઇ. તેમ કરતાં તેને મકાનના પાયામાં દટાયેલ દ્વવ્ય પ્રાપ્ત થયું. એ દ્રવ્યની મદદથી તે શ્રીમંત બનતો ગયો. એણે કર્ણાવતીમાં ખૂબ ખર્ચ કરી ઉદયવરાહ નામનું જૈન મંદિર બનાવ્યું અને તેમાં ૭૨ તીર્થંકરની મૂર્તિઓ પધરાવી. તેની ધર્મપ્રિયતા, કુલીનતા, ધનાઢ્યતા અને કુશળતાની ખ્યાતિ સર્વત્ર ફેલાઇ.

તે સમયે અણહિલવાડની ગાદી પર સોલંકીવંશનો કરણ રાજા (ઇ.સ.૧૦૬૪-ઇ.સ.૧૦૯૪) રાજ્ય કરે. તેણે ઉદયન મહેતનાનો પોતાનો પ્રધાન બનાવ્યો અને ખંભાતની જવાબદારી સોંપી. કરણ રાજાને ત્રણ પ્રધાન હતા મુંજાલ, સાંતુ અને ઉદયન. કરણ રાજા પછી તેનો પુત્ર સિધ્ધરાજ જયસિંહ ગાદીએ આવ્યો. એ પુખ્ત વયનો ન હોવાથી રાજમાતા મીનળદેવીએ ત્રણેય પ્રધાનોને રાજ્યકારભારની જવાબદારી સોંપી.

ખંભાતના કારભાર દરમિયાન એક ઘટના બની. સિધ્ધરાજ જયસિંહ પછી કુમારપાળ ગાદીએ આવશે એ વાત સિધ્ધરાજને પસંદ ન હતી. આથી સિધ્ધરાજના ડરથી કુમારપાળ ભાગતો ફરતો હતો. કુમારપાળ એની રઝળપાટ દરમિયાન ખંભાત આવી ચડ્યો. તે સમયે ઉદયન મહેતા અપસરામાં હેમાચાર્યના દર્શને ગયો હોઇ, તે પણ ત્યાં પહોંચ્યો. હેમાચાર્યે કુમારપાળનાં અંગોનાં લોકોત્તર લક્ષણો જોઇને તે ચક્રવર્તી રાજા થશે એવી ભવિષ્યવાણી કરી. તે સમયના સંજોગો એવા હતા કે કુમારપાળને એ ભવિષ્યવાણીમાં શ્રધ્ધા ન બેઠી. હેમાચાર્ય એને કહ્યું કે, જો એમ નહીં થાય તો તેઓ ભાવિ-ફળાદેશ નહીં જુએ. ત્યારે કુમારપાળે પણ વચન આપ્યું કે, જો આ સાચું પડે તો તમે જ રાજા અને હું તો તમારા ચરણની રજ. ત્યારબાદ ઉદયન મહેતા કુમારપાળને પોતાની સાથે ઘરે લઇ ગયા અને યોગ્ય આતિથ્ય-સત્કાર, ભેટ અર્પણ કરી વિદાય આપી. હેમાચાર્યજીની ભવિષ્યવાણી સાચી પડી. કુમારપાળ રાજવી બનતાં ખંભાત ખાતે ઉદા મહેતા અમાત્ય બની રહ્યા.

ઉદયન મહેતાના અંત સમયની એક ઘટના જાણવા મળે છે. કાઠિયાવાડના સુવર નામના માંડલિક શત્રુને જીતવા માટે કુમારપાળે પોતાના મંત્રી ઉદયનને મોટી સેના આપી મોકલ્યો. વઢવાણ પહોંચ્યા પછી ઉદયનને સ્ફૂરણા થઇ કે શત્રુંજ્ય નજીક આવ્યો છું તો તેનાં દર્શન કરી પાવન થાઉં. તેણે લશ્કર રવાના કર્યું અને પોતે ત્વરીત ગતિએ ગિરિરાજ શત્રુંજ્ય ઉપર ગયો. આ સમયે મંદિર પથ્થરનું ન હતું પણ લાકડાનું હતું, અને મંદિરની અવસ્થા બહુ જીર્ણ થઇ ગઇ હતી. એટલામાં એક દરમાંથી ઉંદર નીકળી દીવાની બત્તી લઇ ગયો. મંત્રીને વિચાર થયો કે આ દિવાબત્તીથી આ કાષ્ટમય અને જીર્ણાવસ્થાવાળું દહેરું સળગી ઉઠશે. મારી સંપત્તિ શા કામની છે ? મંત્રીએ તે જ ક્ષણે પ્રતિજ્ઞા લીધી કે આ યુધ્ધમાંથી છૂટા થયા પછી કાષ્ટમય દેહરાનો જરુર ઉધ્ધાર કરીશ. આ પ્રતિજ્ઞા કરી મંત્રી ત્યાંથી યુધ્ધમાં ગયા. લડાઇમાં મંત્રી ખૂબ ઘવાયા; એમણે જીવવાની આશા મૂકી દીધી. આ વખતે એમનો જીવ ગૂંચવાતો હતો; આથી સેનાપતિએ એમને એનું કારણ પૂછ્યું. મરણપથારીએ પડેલા ઉદયન મહેતાએ એમની શેત્રંજ્યના જીર્ણોધ્ધારની વાત કહી. તે પૂરી કરવા તેમના પૂત્રોને જણાવવા કહ્યું. ત્યારબાદ એમનો દેહ છૂટી ગયો. ઘરે આવી સેનાપતિએ તેમના પૂત્રો બાહડ અને અંબડને ઉદયન મહેતાની અંતિમ ઇચ્છા જણાવી. તેમના પુત્ર બાહડે ત્રણ જ વર્ષમાં શેત્રુંજ્ય મંદિર નવું બનાવી કળિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ પાસે વિ.સં.૧૨૧૧માં તેની પ્રતિષ્ઠા કરાવી. એમ કહેવાય છે કે, એ દિવસોમાં આ મંદિર બનાવવા બાહડે એક કરોડ સાંઇઠ લાખ રૂપિયા ખર્ચેલા.

 
 

 
.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com