વસોવા વઢવીર
ભાટ-ચારણોના કહેવા મુજબ, વસોની સ્થાપના વિ.સં.૧૨૨૪(ઇ.સ.૧૧૬૮)માં વાચ્છા રુઢજી પટેલે
કરેલી. એમણે જે ગામ વસાવ્યું તે સિંહાનગર (આજનું શિહોલડી)ની પૂર્વે વસંધરા માતાની
નજીક હતું, અને વસો કહેવાયેલું. જોકે, ગામની સ્થાપના પછીનાં ત્રણસો-ચારસો વરસોનો
ઇતિહાસ જાણવા મળતો નથી. એમ મનાય છે કે, વાચ્છાના પુત્રો-પૌત્રો-પ્રપૌત્રોનો બહુ
મોટો પરિવાર ધીમેધીમે વિસ્તરતો ગયો, અને સાથે સાથે તે વસો છોડી દૂરના પ્રદેશોમાં
વસવાટ કરતો ગયો. આ ચારસો વર્ષના ગાળામાં ફાલેલું વંશવૃક્ષ મેળવવું મુશ્કેલ છે. છતાં
વાચ્છાના જે વારસો વસોમાં જ રહ્યા તે હતા મૂળા, બાળા, સરવણ અને રામજી. રામજીના બે
પૂત્રો-લાલજી અને અજુ. અહીંથી વસોના વીરોની ગાથા શરુ થાય છે.
લાલજી અને અજુને શુરવીરતા
અને રાજપરિવાર સાથેના સંબંધો વારસામાં મળેલા એમ કહી શકાય. આ બંનેના પિતા રામજી પટેલ
શૂરવીર જ નહીં, રાજકીય વગ ધરાવતા પાટીદાર હતા. એમનો સંબંધ દિલ્હીના મોગલ બાદશાહો
સુધી હતો. દિલ્હીના બાદશાહો માટે રામજી પટેલ એક અનિવાર્ય સાથી હતા ગુજરાતમાં. એમ
કહેવાય છે કે દિલ્હીપતિ હુમાયુએ ચાંપાનેર પર ચઢાઇ કરી ત્યારે રામજીએ તેને ઘણી મદદ
કરી હતી. એટલું જ નહીં પણ હુમાયુ બાદશાહને પોતાને ત્યાં બોલાવી થોડા દિવસ
મહેમાનગીરી પણ કરેલી. આ સંબંધો બંને પક્ષે સરખા હતા. પિતા રામજીની જેમ પૂત્રો લાલજી
અને અજુ પણ શૂરવીર હતા, બાહોશ હતા. જો કે લાલજી ધાર્મિક વૃત્તિના હોઇ તે ન છૂટકે જ
લડાઇમાં ભાગ લેતા. જ્યારે અજુ હંમેશા તૈયાર રહે. આથી મોગલ બાદશાહો તરફથી અજુને વધુ
કામગીરી રહેતી. આમ પરસ્પરની મદદથી ગુજરાતમાં મોગલ સલ્તનતનાં મૂળ ઊંડાં જતાં હતાં.
અજુને ખિતાબઃ વસોના વીર અજુ
પટેલની સહાયથી પ્રસન્ન થયેલા દિલ્હીના અકબર બાદશાહે અજુને
‘અમીન’નો
ખિતાબ આપેલ અને શણગારેલ ૯ હાથી, ૧૩ ગામ અને રૂપિયા ૨૩૦૦૦નું વર્ષાસન બાંધી આપેલ.
આમ, આ માનમરતબા પછી વસોના અજુ પટેલ એક નાની ઠકરાત જેવો મોભો ધરાવતા અને વર્તતા થઇ
ગયા. એણે શૂરવીરતા અને બાહોશીથી તેની સત્તા વાગડ અને ઇડરના વિસ્તારમાં જમાવવા
માંડી. ત્યાંના એક માથાભારે રજપૂતની કન્યા-રઇબા-નું તે હરણ કરી લાવેલ. અજુએ વસોમાં
પણ રજપૂત ગરાસિયાનો વાંટો કબજે લઇ તેમને નસાડી મૂકેલ. અજુને અકબર જોડે મૈત્રી
હોવાથી તે પણ પોતાને એક નાના બાદશાહ જેમ માનતો. વળી, ભાટ-ચારણોએ પણ એ દિવસોમાં ગાવા
માંડેલું કેઃ
અકબર અજુ ઔર અજાઇ
એ ત્રિહોકી સરખી સજાઇ.
ગુજરાતના અજુ અને અજાઇ,
દિલ્હીના અકબર બાદશાહના સમકક્ષ ગણાવા માંડેલ. આને થોડી અતિશયોક્તિ માનીએ તો પણ એ
દિવસોમાં અજુ અને અજાઇનો પ્રભાવ જનમાનસ પર કેવો હતો તે અહીં સ્પષ્ટ થાય છે.
રાજકાજમાં અકબર બાદશાહના
પ્રીતિપાત્ર બનેલા અજુ પટેલ ગૃહસ્થજીવમાં દુઃખી હતા. આઠ આઠ વખત લગ્ન કરવા છતાં પણ
તેઓ નિઃસંતાન હતા. તેનો સંતાપ તેને રહેતો. કોઇએ તેને વિરપુર દરિયાઇ પીરની બાધા આપી,
અને જો સંતાન પ્રાપ્તિ થાય તો વહાલો પુત્ર આ દરિયાઇ પીરને ચરણે ધરવા જણાવ્યું. વખત
જતાં તેને બે પુત્ર થયા
– પ્રાગદાસ અને કાશીદાસ. પ્રિય પત્ની રઇબાથી કાશીદાસ
જન્મ્યા હોવાથી, તેના બદલે પ્રાગદાસને દરિયાઇ પીરે તે લઇ ગયો. પીરથી અજુની આ મનની
ચોરી છાની ન રહી. તેણે પ્રાગદાસને બદલે કાશી દાસની માગણી કરી. અજુએ કાશીદાસને પીરને
ચરણે ધર્યા અને પીરે તેમને ફટકા મારવા માંડ્યા. એક, બે, ત્રણ એમ ઉપરાઉપરી સાત ફટકા
પડતાં અજુ વચ્ચે પડ્યા અને દયાની માગણી કરી. પીરે ખુશી થઇ કાશીદાસને પાછા સોંપ્યા
અને તેના વંશમાં સાત પરાક્રમી પુરુષો પાકવાની અગાહી આપી.
અકબર અને અજુની મિત્રાચારી
એવી હતી કે, અકબર બાદશાહે દબાણ કરી અજુના પુત્ર પ્રાગદાસનું લગ્ન સાવલીના દેસાઇ
અજાઇની પુત્રી સાથે ગોઠવી આપ્યું હતું. આ પ્રસંગે પ્રાગદાસ જે હાથી ઉપર સવારી કરી
પરણવા ગયા હતા તે હાથી અને વલાસણ ગામ અકબરે તોરણ ઘોડામાં બક્ષીસ આપ્યાં હતાં.
અજુએ એના જીવનકાળમાં
તીર્થયાત્રાઓ પણ કરેલી. એનાં પુણ્યદાન અને તીર્થયાત્રાઓથી તે વખતના ભાટચારણો ઘણા
ખુશ હતા અને તેનાં ગુણગાનનાં ઘણાં કવિત પણ લખેલ.
અજુના બે પુત્રો –
કાશીદાસ અને પ્રાગદાસ
–
બંને ઓરમાન ભાઇ હોવાને કારણે બંને વચ્ચે મીઠા સંબંધ
તો ન હતા. બંને એક બીજાથી દૂર રહેવા પ્રયત્ન કરતા. આથી, પ્રાગદાસ સાવલી વધુ રહેતા.
પ્રાગદાસનું બીજું લગ્ન કાનમમાં નર્મદા તટે આવેલા મોટા કરાળાના સુપ્રસિધ્ધ
સોમરાયનાં પુત્રી સાથે થયેલું. વારંવાર વતનથી દૂર લાંબા સમય સુધી રહેવાને કારણે
પ્રાગદાસનો વસોની જાગીર પરથી હક્ક ડુબવાનો ભય ઊભો થતો હતો. આથી તેમના કાકા
લાલજીભાઇએ તેમને વસો બોલાવી તેમની પાસે રાખ્યા હતા.
કાકા લાલજીભાઇના પુત્ર નરસીદાસ સીધા માણસ હતા. આ બંને ભાઇઓના ઝગડામાં મધ્યસ્થી થવા
જતાં તેમણે ભોગવ્યું
– તેમનું ખૂન થયું. નરસીદાસના પુત્ર ગણેશજી અને ગણેશજીને સાત દીકરા હતા.
કાશીદાસના એક પૂત્ર
ભવાનીદાસે પેટલાદ પરગણાનો વહીવટ કર્યો હતો, અને પેટલાદની નજીક પોતાના નામનું ‘ભવાની
પરુ’
વસાવ્યું હતું. ઇ.સ.૧૭૪૭માં ભવાનીદાસના સ્વર્ગવાસ બાદ તેમના પુત્ર વણારસીદાસે
પાટીદારોનું બાર ગામનું બંધારણ બાંધવામાં આગેવાની લીધેલી અને નાતરાનો રિવાજ બંધ
કરાવેલ. વણારસીદાસે સૂચવેલા સુધારામાં જે ૧૩ ગામો જોડાયાં તે આજે પણ પાટીદારોમાં
કુલીન ગણાય છે. વણારસીદાસના બે પુત્રો
– બાજીભાઇ (વિ.સં.૧૭૪૪)અને વેણીભાઇ (વિ.સં.૧૭૪૭). બંને ઓરમાનભાઇ હતા. વણારસીદાસે
પોતાની બે પુત્રીઓ નવા બંધારણ મુજબ ૧૩ ગામ પૈકી સૌજીત્રામાં પરણાવી. બંધારણના અમલની
શરુઆત વિ.સં.૧૭૯૭માં કરેલી, ત્યારે પણ તેમણે તમામ ગામના પટેલોને નોતરી મોટો મેળાવળો
કરેલો.
વણારસીદાસ અમદાવાદના સૂબાના
કારભારી તરીકે કામ કરતા, એટલું જ નહીં પરન્તુ તે વખતની રાજરમતો અને લડાઇઓમાં પણ
તેમણે ભાગ લીધો હતો. વિ.સં.૧૭૭૮ના અરસામાં અમદાવાદના સૂબા હમીદખાન સાથે મળીને તેમણે
દિલ્હીના પાદશાહે પાછળથી નીમેલા બીજા સૂબા સુજાતખાનને મીઠુની લડાઇમાં હરાવ્યો હતો.
આ અરસામાં હિંદુ-મુસલમાન
વચ્ચેના વૈમનસ્યે ઉગ્ર સ્વરુપ પકડવા માંડ્યું હતું. દક્ષિણમાં શિવાજી મહારાજની હાક
વાગતી હતી અને આ હિન્દુત્વની ઘોષણા ચરોતરમાં પણ પહોંચી ગઇ હતી. આ વખતે સોનગઢમાં
થાણું રાખી રહેતા મરાઠા સુબા પીલાજીરાવને ગુજરાતમાં લાવનાર ત્રણ જમીનદારો પૈકીના એક
વણારસીદાસ હતા. આમ ગુજરાતમાં ગાયકવાડી રાજ્યના સ્થાપક પીલાજીરાવને પહેલવહેલા
ગુજરાતમાં લાવવામાં ને તેમની સત્તા જમાવવામાં સહાયરુપ થવામાં વણારસીદાસનો ફાળો મોટો
અને મહત્વનો છે.
પોતાના પૂર્વજ અજુને મોગલ
બાદશાહ અકબર સાથે અતિશય ઘરોબો હોવા છતાં અને પોતાની જાહોજલાલી એ જ મોગલ બાદશાહોને
આભારી હોવાનું જાણવા છતાં, વણારસીદાસ અને તેના પૂત્રો મોગલોની વિરુધ્ધ થઇ મરાઠાઓને
પક્ષે કેમ ગયા, તે એક કોયડો બનેલ છે.છતાં એક લોકકથા જે વડોદરા રાજ્યના ઇતિહાસને
પાને નોંધાઇ છે તે સાચી હોય તો આ કોયડાનો ઉકેલ તેમાંથી જડે છે. હકીકત એમ હતી કે,
પાદરાના દલા દેસાઇની એક રુપવાન કન્યા ખરીદી કરવા વડોદરે ગયેલી, ત્યારે ત્યાંના
મુસલમાન હાકેમ ઇમામ મેદીના માણસોની નજરે આ યુવતિ ચઢી અને તેના સૌંદર્યની વાત તુર્તજ
ઇમાસ સુધી પહોંચી. ઇમામ મેદીએ આ યુવતિને રાજમહેલમાં લઇ આવવા પાલખી મોકલી પણ પાલખી
લાવનાર નોકરોને હાથતાલી આપીને આ બાહોશ કન્યા પોતાને ગામ નાસી ગઇ. આ કન્યા વિરસદના
વાઘજી પટેલના દીકરા સાથે પરણાવેલી. એટલે દીકરીના પતિ અને બાપે મેદી વિરુધ્ધ કાવતરું
રચ્યું અને વડોદરાના મોટી લાગવગ ધરાવતા સુરેશ્ર્વર દેસાઇ દલા પટેલના મિત્ર હોવાથી
તેમાં ભળ્યા. આ જ અરસામાં વસોના દાજી પટેલની એક સ્વરુપવાન કન્યા અંબાજીના મંદિરે
દર્શન કરવા જતી હતી, તેને એક મુસ્લિમ સરદારે પકડી પોતાને ત્યાં થોડા દિવસ રાખી. આ
અપમાન અને જુલમના કારણે વસોના પાટીદારીનો સાથ પણ આ કાવતરામાં મળ્યો અને પરીણામે
વસોના વણારસીદાસ અને તેમના વારસો અને સાથીઓ, વીરસદના વાઘજી પટેલ અને વડોદરાના
સુરેશ્વર દેસાઇએ મળી મુસલમાનો વિરુધ્ધ મરાઠાઓને સાથ આપવાનું શરુ કર્યું.
અમદાવાદના સૂબાનો બીજોભાઇ
રુસ્તમ આ અરસામાં સૂરત-પેટલાદ પરગણાનો સૂબો હતો અને પેટલાદ રહેતો હતો. અમદાવાદના
સૂબાને હરાવવા વણારસીદાસે હેમદને મદદ કરેલી, તે કારણે રુસ્તમ અને વણારસીદાસ વચ્ચે
વેર બંધાયેલ. એટલે રુસ્તમને હરાવવા માટે વણારસીદાસના પુત્ર બાજીભાઈ, પિલાજીરાવ અને
ગુજરાતના બીજા આગેવાન જમીનદારોએ મસલત કરી અને તેઓ રુસ્તમના પ્રતિપક્ષી હેમદના
સાથમાં ભળ્યા. અડાસ અને નાપાડ નજીક બંને લશ્કરો વચ્ચે યુધ્ધ થયું. પિલાજીરાવની કપટ
નીતિથી રુસ્તમનો પરાજય થયો અને તેને વસો તરફ નાસવું પડ્યું.
વણારસીદાસના બંને પૂત્રોની આજુબાજુના કુવાઓ પુરાવી દઇ રુસ્તમનાં માણસો માટે અન્ન
અને પાણી બંધ કર્યાં. રુસ્તમના લશ્કરે પણ વસોનો ઘેરો ઘાલી સખત વળતી લડત આપી. ફક્ત
૧૩૦૦ ચુનંદા સૈનિકોની મદદથી રુસ્તમે મરણિયો થઇ અઢાર અઢાર દિવસ સુધી લડાઇ લડી, અને
પોતાના સાથીઓની ભારે ખુવારી જોઇને તે પણ યુધ્ધમાં માર્યો ગયો. આમ, ગુજરાતના
ઇતિહાસને વળાંક આપનાર આ યાદગાર જંગની અને મહાન મોગલ સલ્તનતના પ્રતિનિધિ રુસ્તમના
મોતની સાક્ષી વસોની ભૂમિ બની. હેમદના લશ્કરે મરેલા રુસ્તમનું ધડ રહેવા દઇ માથું
અમદાવાદ હેમદ પાસે મોકલ્યું અને તેનો એક હાથ જીતની નિશાની તરીકે સોનગઢ પહોંચાડ્યો.
ધડને વસોમાં દાટવામાં આવ્યું. વસોના બજાર વચ્ચે આવેલી જુમ્મા મસ્જિદની પાછળ
રુસ્તમની કબર આવેલી છે. તેવી જ એક કબર અમદાવાદમાં ભદ્રના કિલ્લામાં અને બીજી
સોનગઢના કિલ્લા ઉપર છે.
|