|
|
|
વીર ભાથીજી મહારાજ (ઇ.સ.૧૫૪૪, ફાગવેલ)
એમ કહેવાય છે કે, ડાકોરના
ભકતરાજ વિજયસિંહ બોડાણાને દ્વારિકાની જાત્રાએ પ્રથમ વખત પાટણના જયમલ રાઠોડ એમના
સંઘમાં લઇ ગયેલા. આ જયમલ રાઠોડના વંશમાં જ કપડવંજ પાસે ફાગવેલ ગામે ગિરાસદાર રાઠોડ
તખતસંગ થયા. ફાગવેલના ઠાકોર તખતસિંહનું લગ્ન ચિખડોલના ગિરાસદાર રાજાની દીકરી અકલબા
સાથે થયું. તખતસિંગ અને અકલબાનાં ચાર સંતાન – સોનબા, બીનજીબા, હાથીજી અને ભાથીજી.
ભાથીજીનો જન્મ વિ.સં. ૧૬૦૦ (ઇ.સ.૧૫૪૪)ના કારતક સુદ એકમના દિવસે થયેલ. ભાથીજી
નાગદેવતાનો અવતાર મનાતા. એ સવા માસના થયા ત્યારે તેમના કપાળના મધ્ય ભાગમાં
નાગફે���નું ચિહ્ન ઉપસી આવ્યું હતું. તે
સમયથી જ લોકો તેમને દેવાંશી માનતા. દિવસ જાય તેમ તેમની ચમત્કારિક શક્તિના પરચા સૌને
જોવા મળતા. ભાથીજી ગૌસેવા, નાગસેવા અને ગરીબોની ખૂબ સેવા કરતા. એમનાં આખ્યાનો,
કથાઓ, ભજનોમાં ગવાયા મુજબ, તેઓ દૂધાતલ ગિરાસદાસ ભૂપતસંગનાં દીકરી કંકુબા સાથે
લગ્નની વેદીમાં ફેરા ફરી રહ્યા હતા ત્યારે ગાયનો ઘણ હાંકી જવાની રાડ પડી અને તે
દોડી ગયા. ગાયોને બાચવતાં એ શહીદ થયા. એમની સાથે કંકુબા પણ પંચતત્વમાં વિલીન થયાં.
જનશ્રુતિ મુજબ, જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે ભાથીજીએ હાથીજીના અંગમાં પ્રવેશ
કર્યો અને કહ્યું કે, જેને નાગ કરડે તે બધા મારી બાધા રાખે અને મને યાદ કરે, જો
નિમિત્તકાળ નહીં હોય તો સાપ ઉતરશે, ગામે ગામ મારાં સ્થાનક કરજો, તેના પર ધોળી ધજા
ફરકાવજો. ત્યારથી ફાગવેલ ભાથીજીનું સ્થાનક બન્યું છે. ભાથીજી આજે જનમાન્ય લોકદેવતા
તરીકે પૂજાય છે. નાગદેવતાના અવતાર સમા વીર ભાથીજી મહારાજનાં મંદિર ગુજરાતમાં
ગામેગામ જોવા મળે છે.
|
|
|