શ્રી દયાળજી મોહનજીની હવેલી (દયાના મંદિર)
પવિત્ર મોટા તળાવના કિનારા પર સ્થિત ચોપાટો, મોટા
અડધમાં દયાના મંદિર એટલે કે શ્રી દયાળજી મોહનજીની હવેલી આવેલી છે.
જે હવેલીનું ક્ષેત્રફળ લગભગ 900 ચોરસ મીટર છે. આ મંદિર વૈષ્ણવ
સંપ્રદાય પુષ્ટીમાર્ગીય દયાળ મોહનજી મંદિર તરીકે જાણીતું છે. જેમાં
શ્રી બાલકૃષ્ણલાલજી અને નવનીત પ્રિયાજી સ્વરૂપ બિરાજે છે. સાથો સાથ
શ્રી દાદાજી, શ્રી યમુનાજી તથા ગિરિરાજનું તથા નિકુંજ નાયક શ્રી
ગોર્વધનનાથજીના સ્વરૂપો પણ બિરાજે છે. આ હવેલીના ઇતિહાસમાં ડોકીયું
કરીએ તો જાણવા મળે છે કે આ હવેલી સંવત 1802ને પોષ સુદ બીજના રોજ
પલાણાના મુળ વતની પણ આણંદને પોતાની કર્મભૂમિ માની ધર્મનુરાગી
સુરબાઇએ આ મંદિરનું નિર્માણ કરીને ટ્રસ્ટને સોપ્યું હતું. ધન્ય છે,
સુરબાઇને કે જેમણે વૈષ્ણવ સંપ્રદાયની ઝળહળતી જ્યોત પ્રકાશિત રાખવા
ન્યોછાવર કરી વંદન પાઠવીએ. આ હવેલીની બીજી વાત એ કે ઇ.સ. 1916માં
દયાના મંદિરમાં મુખ્યાજી તરીકે મોતીલાલ ભાઇકાકા હતા શ્રી મોતીકાકા
ઠાકોરજીની માળાજી તૈયાર કરતાં તેમની સેવા ભક્તિને દંડવત્ પ્રણામ.
બીજો એક પ્રસંગ એમ જાણવા મળે છે કે તૃતીય ગૃહ પીઠાધિશ્વરશ્રી
વિઠ્ઠલનાથજી કાયમ આણંદ પધારતાં હતાં જ્યારે તેઓ આણંદ પધારતા ત્યારે
શ્રી દયાળજી મોહનજીની હવેલીમાં રોકાતા ત્યારે આપશ્રી હાલના બેઠક
મંદિરના સ્થળે શ્રીમદ્ ભાગવદ્ સપ્તાહ કરતા હતાં ત્યારે એક સમયે
આપશ્રી શ્રીમદ્ ભાગવદ્ સપ્તાહ માટે પધાર્યા ત્યારે નાસ્તિક તથા
ધર્મવિરોધી લોકોએ રસ્તો રોકીને આપશ્રીને જણાવ્યું કે આપ મોટા તળાવ
પર ચાલીને જતા રહો. ત્યારે શ્રી વલ્લભ તથા ઠાકોરજીની કૃપાથી શ્રી
ઠોકરજીનું સ્મરણ કરીને શ્રી વિટ્ઠલનાથજી પાણી પર ચાલીને સામે પાર
ગયા હતાં. તે સમયે આ બંને સ્થળ પર શ્રી વલ્લભઘાટ તથા શ્રી
વિઠ્ઠલઘાટ બનાવાયા હતાં. સમયની થાપથી બંનેઘાટ નામશેષ રહ્યાં હતાં.
તેમાંના શ્રી વલ્લભઘાટનું શ્રી દયાળજી મોહનજીની હવેલી દ્વારા
કાંકરાલી યુવરાજ શ્રી પ.પૂ.ગો. 108 શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીના
વરદ હસ્તે તા.23-01-08ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
શ્રી દયાળજી મોહનજીની હવેલીમાં બિરાજતા સ્વરૂપો.
-
શ્રી બાલકૃષ્ણલાલજી તથા શ્રી નવનીત
પ્રિયાજીઃ આ બંને ભગવદ્ સંવત 1802માં ચોપાટામાં પ્રતિષ્ઠિત
કરવામાં આવ્યાં હતાં.
-
શ્રી દાદાજીઃ શ્રી દાદાજીની બેઠક સ્વરૂપ
ગાદીજી શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીના બિરાજે છે. આપશ્રી શ્રી
દયાળજી મોહનજીની હવેલીમાં નિવાસ કરતા હતાં. શ્રી દયાળજી
મોહનજીની હવેલીના પ્રાગંણમાં દાદાજીના બેઠકજી આવેલ છે.
-
શ્રી ગિરિરાજજી તથા નિકુંજનાયક શ્રી
ગોર્વધનનાથજીઃ શ્રી દયાળજી મોહનજીની હવેલીમાં મધ્યમાં શ્રી
ગિરિરાજજી બનાવવામાં આવ્યાં છે. આ ગિરિરાજજી ઉપર નિકુંજનાયક
શ્રી ગોર્વધન નાથજીના સ્વરૂપ બિરાજે છે. શ્રી ગિરિરાજજી પર
ભાવાત્મક મુખારવિંદ બિરાજમાન છે. જે મુખારવિંદ પર દર અગિયારસે
દૂગ્ધાભિષેકનું આયોજન કરવામાં આવે છે. હવેલીમાં શ્રી યમુના
મહારાણીજીના સ્વરૂપ પણ બિરાજમાન છે.
-
શ્રી દયાળજી મોહનજીની હવેલીના ઇતિહાસમાં
સુર્વણ અક્ષરે અંકિત થયેલ યાદોઃ તા.25-01-2001ના રોજ
જીર્ણોધ્ધાર થયેલ શ્રી દયાળજી મોહનજીની હવેલીનું પ.પૂ.ગો. 108
શ્રી વ્રજેશકુમારજીના વરદ્ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થઇ હતી અને
અન્ય મનોરથો થયાં હતા.
તા.30-08-2003ના રોજ શ્રી
ગોર્વધનનાથજી તથા શ્રી ગિરિરાજજીની તથા યમુનાજીના સ્વરૂપનો
પ્રતિષ્ઠા મહોત્સવશ્રી પ.પૂ.ગો.108 શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી
તથા પ.પૂ.ગો. 108 શ્રી વાગીરાકુમારજી મહારાજશ્રીની નિશ્રામાં થયો
હતો.
તા.21-12-05ના રોજ શ્રી
દાદાજીના બેઠકજીને આપશ્રીના મૂળ સ્થાને પ.પૂ.ગો. 108 શ્રી
વ્રજેશકુમારજી મહારાજશ્રીના વરદ હસ્તે પ્રસ્થાપિત કરવામાં આવ્યા
હતાં.
તા.16-01-08 થી તા.22-01-08
સુધી શ્રી દયાળજી મોહનજીની હવેલીના 264માં પાટ્ટોત્સવ પ્રસંગે શ્રી
કિશોરચંદ્ર શાસ્ત્રીજીના મુખે પ.પૂ.ગો.108 શ્રી વાગીશકુમારજીની
હાજરીમાં સેંકડો વૈષ્ણવોએ ભાગવદ્ કથાનો લાભ લીધો હતો.
તા.23-01-08ના રોજ પ.પૂ.ગો.
108 શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીની અદ્યક્ષતામાં શ્રી વલ્લભઘાટનું
ઉદ્ધઘાટન તથા મોટા તળાવમાં શ્રી ઠાકોરજીને નૌકાવિહારનો મનોરથ થયો
હતો.
તા.24-1-08ના રોજ 264માં
પાટોત્સવ પ્રસંગે આણંદ જિલ્લામાં તૃતીય ગાદીની અગિયાર હવેલીના 17
સ્વરૂપોને આણંદ મુકામે પધરાવી પ.પૂ.ગો.108 શ્રી વ્રજેશકુમારજી
મહારાજશ્રીની અધ્યક્ષતામાં શ્રી દયાળજી મોહનજી પ્રભુનો છપ્પન ભોગ
યોજાયો હતો. તેનો આણંદ જિલ્લાની ધર્મપ્રેમી જનતાએ દર્શનનો લાભ લીધો
હતો.
-
શ્રી દયાળજી મોહનજીની હવેલીમાં ઉજવાતો
ઉત્સવઃ શ્રી દયાળજી મહોનજીની હવેલીમાં શ્રી અખંડ ભૂમંડલાચાર્ય
શ્રીમદ્ વલ્લભચાર્ય મહાપ્રભુજી દ્વારા સ્થાપેલ તથા શ્રી
વિઠ્ઠલનાથજી શ્રી ગુંસાઇજી દ્વારા વિસ્તરાયેલા શ્રી શુધ્ધા
દ્રૈત પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં ઉજવાતા દરેક ઉત્સવો ધામધૂમથી
ઉજવાય છે. જેમાં અષાઢ શ્રાવણ માસના હિંડોળા ધામધૂમથી દરેક
દિવસે અલગ અલગ હિંડોળા શ્રી ઠાકોરજીને અંગિકાર કરાવવામાં આવે
છે.-શ્રાવણ મહીનાની આઠમે જન્માષ્ટમી, નંદ મહોત્સવ ધામધૂમથી
ઉજવવામાં આવે છે. –ત્યારબાદ
શરદ પૂનમના દિવસે રાસનું આયોજન કરવામાં આવે છે. –તુલસી
વિવાહનો ઉત્સવપણ હવેલીમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.- ભાદરવા
મહિનામાં શ્રાધ્ધ પક્ષમાં સાંઝીનો મનોરથ પણ ઉજવવામાં આવે છે.
આણંદ નગરની વૈષ્ણવ જનતા દરેક
ઉત્સવનો લાભ લે છે. શ્રી દયાળજી મોહનજીની હવેલીમાં શ્રી
બાલકૃષ્ણ યુવક મંડળ પણ ચાલે છે. આ મંડળ દ્વારા હવેલીમાં
હોમિયોપેથિક ચિકિત્સા કેમ્પ, બલ્ડગ્રુપ નિદાન કેમ્પ તથા નેત્ર
નિદાન કેમ્પ તથા અન્ય સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. શ્રી
દયાળજી મોહનજીની હવેલીમાં શ્રી ઠાકોરજી માટે શ્રી કિર્તન મંડળી તથા
ફુલધર મંડળ તથા ટોકરી મંડળ તથા યમુના મહિલા મંડળ પણ ચાલે છે અને
બધાં શ્રી ઠાકોરજીની સેવામાં વ્યસ્ત રહે છે.
શ્રી દયાળજી મોહનજીની
હવેલીના સંપૂર્ણ પરિવાર તરફથી આણંદની વલ્લભની સૃષ્ટિને જયશ્રીકૃષ્ણ
|